ભાસ્કર વિશેષ:એક વર્ષમાં તમામ મહિલા ડબ્બામાં સીસીટીવી હશે

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરેક ડબ્બામાં એક કે બે કેમેરા લગાડવાનું નિયોજન કરવામાં આવ્યું છે

પ્રવાસ દરમિયાન થતા મહિલાઓ પરના ગુના પર અંકુશ મૂકવા લોકલના મહિલા ડબ્બામાં સીસી ટીવી કેમેરા લગાડવાનો નિર્ણય મધ્ય અને પશ્ચિમ રેલવેએ લીધો હતો. અત્યાર સુધી 323 મહિલા ડબ્બામાં સીસી ટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે અને આગામી એક વર્ષમાં તમામ મહિલા ડબ્બાઓમાં સીસી ટીવી કેમેરા લગાડવાનું કામ પૂરું થશે એમ રેલવે પ્રશાસને સ્પષ્ટ કર્યું હતું.

પ્રવાસ દરમિયાન મહિલાઓ પર થતા હુમલા, છેડતી, વિનયભંગ વગેરે જેવી ઘટનાઓને લીધે મહિલાઓની સુરક્ષા માટે લોકલના મહિલા ડબ્બામાં સીસી ટીવી કેમેરા લગાડવાનો નિર્ણય મધ્ય રેલવેએ લીધો હતો. સૌ પ્રથમ પશ્ચિમ રેલવેએ 2015માં મહિલાઓના ડબ્બામાં સીસી ટીવી કેમેરા લગાડવાની શરૂઆત કરી. એ પછી મધ્ય રેલવેએ પણ આ પ્રકલ્પ અમલમાં મૂક્યો. 12 ડબ્બાની એક લોકલમાં મહિલાઓ માટે સેકન્ડ ક્લાસના 3 અને ફર્સ્ટ ક્લાસના 3 નાના ડબ્બા હોય છે.

એમાંથી દરેક ડબ્બામાં એક કે બે કેમેરા લગાડવાનું નિયોજન કરવામાં આવ્યું છે. મધ્ય રેલવેમાં 156 લોકલના મહિલા ડબ્બાઓમાં કુલ 744 સીસી ટીવી કેમેરા લગાડવાનું નિયોજન છે. અત્યાર સુધી મધ્ય રેલવેમાં લોકલના 183 મહિલા ડબ્બામાં કેમેરા લગાડવામાં આવ્યા છે.

આગામી એક વર્ષમાં 589 મહિલા ડબ્બામાં કેમેરા લગાડવામાં આવશે એવી માહિતી મધ્ય રેલવેના મુખય્ જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે આપી હતી. પશ્ચિમ રેલવેના કાફલામાં લગભગ 41 લોકલના મહિલા ડબ્બાઓમાં સીસી ટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે અને આગામી એક વર્ષમાં બાકીના તમામ મહિલા ડબ્બામાં કેમેરા લગાડવાનું કામ પૂરું થશે એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

લોકલની સંખ્યા વધતા ડબ્બાઓમાં વધારો
મધ્ય રેલવે ઉપનગરીય માર્ગમાં 1990માં 69 લોકલ ટ્રેન હતી અને દિવસની 1 હજાર 23 ફેરી થતી હતી. 2010માં લોકલની સંખ્યા 111 અને ફેરીઓની સંખ્યા 1 હજાર 462 થઈ. 2018થી 134 લોકલ કાફલામાં થઈ અને દિવસની 1 હજાર 774 ફેરી થવા માંડી. અત્યારે લોકલની સંખ્યા 156 પર પહોંચી છે અને ફેરીઓમાં પણ વધારો થઈ રહ્યો છે. તેથી ડબ્બાઓની સંખ્યા વધી છે. છેલ્લા થોડા વર્ષોમાં પશ્ચિમ રેલવેમાં પણ લોકલની સંખ્યામાં વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...