1960ના દાયકાના આરંભમાં મુંબઈમાં દૂધ વિતરણ માટે આરેના 1800 સ્ટોલ્સને શહેરની ફૂટપાથો પર માસિક રૂ. 150ના ભાડે સરકાર તરફથી પરવાનગી આપવામાં આવી હતી. જોકે હવે કાયદેસર સ્ટોલ કરતાં ગેરકાયદે સ્ટોલની સંખ્યા બેગણી થઈ ગઈ છે. વળી, આરેનાં કોઈ પણ ઉત્પાદન આ સ્ટોલ પર મળતા નથી, કારણ કે આરેનું કોઈ પણ ઉત્પાદન હાલ બજારમાં ઉપલબ્ધ નથી.
આથી આ સ્ટોલ પર ગુટખા, વેફર, ખાદ્યપદાર્થ, પીણાં વગેરે મળે છે. મરાપાલિકા અધિકારી અને સત્તાધારી રાજકીય નેતાઓ આ અંગે સંપૂર્ણ વાકેફ હોવા છતાં વર્ષોથી કોઈ કાર્યવાહી કરાતી નથી. આ એક મોટો ગોટાળો છે અને તેમાં મોટાં માથાં સંડોવાયેલાં છે, એવો આરોપ આપના મુંબઈ કાર્યાધ્યક્ષ રૂબેન મેસ્કરેન્હાસે મંગળવારે કર્યો હતો.
આ સ્ટોલ પર 60ના દાયકામાં દૂધ સાથે આરેનાં અન્ય ઉત્પાદનો પણ મળતાં હતાં. જોકે સમયાંતરે સરકારના દૂધ વ્યવસ્થાપન વિભાગ આ ઉત્પાદનનું વ્યવસ્થાપન બરોબર કરી શક્યો નહીં અને આરેનાં ઉત્પાદનનું બજારમૂલ્ય તળિયે આવી ગયું. આથી વિપરીત ગુજરાત સરકારે શરૂ કરેલું અમૂલ સારું ચાલે છે. અમૂલનાં ઉત્પાદનોની માગણી બજારમાં વધવા લાગી અને તે ગુણવત્તાયુક્તહોઈ આરેનાં ઉત્પાદનો આ સ્પર્ધામાં ટકી શક્યાં નહીં.
આથી આરેનાં કોઈ પણ ઉત્પાદન આજે ઉપલબ્ધ નથી, જ્યારે આ ઉત્પાદનો માટે પરવાનગી અપાઈ તે સ્ટોલનો રીતસર દુરુપયોગ થઈ રહ્યો છે, એમ ઉપાધ્યક્ષ ગોપાલ ઝવેરીએ જણાવ્યું હતું.મુંબઈના બધા વોર્ડમાં આરેના કેટલા સ્ટોલ્સ છે તેની માહિતી દરેક વોર્ડમાંથી મેળવવા આરટીઆઈ અરજી કરાઈ હતી. તેમાંથી એવી માહિતી બહાર આવી કે આરંભમાં બધા સ્ટોલ નિવાસી વિસ્તારમાં હતા, પરંતુ સમયાંતરે તે સ્ટેશન પરિસર અને મુખ્ય રસ્તાઓ પર ખસેડવામાં આવ્યા. તેમને પરવાનગી કોણે અને કઈ રીતે આપી તે કોઈ જાણતું નથી. જોકે મહાપાલિકા અધિકારીઓની સાઠગાંઠ વિના આ શક્ય નથી. હવે આ સ્ટોલ રેસ્ટોરાં, ફાસ્ટફૂડ સેન્ટરમાં અથવા મોબાઈલ એસેસરીઝ વેચવા માટે વપરાય છે. અમુકે પાનપટ્ટીના પદાર્થ અને ગુટખા તમાકુ વેચવાનું શરૂ કર્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.
અનેક સ્ટોલ્સ બનાવટી છે
આરટીઆઈમાં અમને એવું જાણવા મળ્યું છે કે અનેક સ્ટોલ બનાવટી છે, જે વાસ્તવમાં વહેંચવામાં આવેલા સ્ટોલ કરતાં સંખ્યામાં બેગણા વધુ છે અને છેલ્લાં 12 વર્ષથી બેધડક ચાલી રહ્યા છે. તેમણે આરોપ કર્યો કે આ સ્ટોલ પેટે અધિકારી અને રાજકીય નેતાઓના જૂથને માસિક રૂ. 2 લાખની કટકી મળે છે, એમ પક્ષના મુંબઈ અધ્યક્ષા પ્રીતિ શર્મા મેનને જણાવ્યું હતું. આવા ગેરકાયદે સ્ટોલ તુરંત તોડી નાખવા જોઈએ અને સ્ટોલના સંચાલક અથવા માલિકની તુરંત છેતરપિંડી સંબંધી ધરપકડ થવી જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.