રાજ્યના દરિયાકાંઠાના સિંધુદુર્ગ જિલ્લામાંથી યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ)નું દુર્લભ હુબારા બસ્ટર્ડ જાતિનું પક્ષીને ઉગારી લેવામાં આવ્યું છે. આ પક્ષીનું સ્વાસ્થ્ય સારું છે અને ટૂંક સમયમાં જ તેને રાજસ્થાન અથવા ગુજરાતના રણ વિસ્તારમાં છોડી દેવાશે, જ્યાંનો શિયાળો આ હિજરતી પક્ષીઓનું ઘર બને છે.દેવગઢ તહેસીલના મુંદાગે ગામના એક ખેડૂતે ગુરુવારે સાંજે પગ પર ઘંટડી સાથેનું આ દુર્લભ પક્ષી જોઈ લીધું હતું અને વન વિભાગને જાણ કરી હતી. અમે તુરંત ત્યાં પહોંચી ગયા અને પક્ષીને કબજામાં લીધું છે.
આ પક્ષી હાલમાં જિલ્લામાં કણ્કવ્લી ખાતે એકમમાં રાખવામાં આવ્યું છે અને તેની તબિયત સારી છે, એમ સ્થાનિક રેન્જ ફોરેસ્ટ ઓફિસર રાજેન્દ્ર ઘુણાકીકરે જણાવ્યું હતું.બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર અને સમન્વયક સુજિત નરવડેએ જણાવ્યું હતું કે યુએઈમાં અમુક સંસ્થાઓ બંધિયાર જગ્યામાં આ પક્ષીઓને ઉછેરે છે અને પછી સંવર્ધનના પ્રયાસના ભાગરૂપે મોટી સંખ્યામાં તેને છોડી દે છે.આ પક્ષીઓ સામાન્ય રીતે મધ્ય પૂર્વમાંથી દરેક શિયાળામાં થાર અને કચ્છના રણમાં હિજરત કરી આવે છે.
અમુક વાર ઝુંડમાંથી એકાદબે પક્ષી કોંકણના દરિયાકાંઠાના પ્રદેશમાં ઊડી જાય છે, એમ નરવડેએ જણાવ્યું હતું. તેઓ ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ અને લેસર ફ્લોરિકનના સંવર્ધનના પ્રોજેક્ટ સમન્વયક પણ છે.સિંધુદુર્ગમાં મળી આવેલું હુબારા બસ્ટર્ડ રિંગ અને કલર બેન્ડ ધરાવતું હતું, જે તેના ઉદભવ વિશે માહિતી આપે છે. અબુ ધાબીમાં નેશનલ એવિયન રિસોર્સ સેન્ટરે જણાવ્યું કે અમે છોડેલાં પક્ષીના ઝુંડમાંનું જ સિંધુદુર્ગમાં મળી આવેલું પક્ષી એક છે. તેને ગુજરાત અથવા રાજસ્થાનના રણ પ્રદેશમાં છોડી દેવું જોઈએ, એવી સલાહ પણ તેમણે આપી હતી.
બે રાજ્ય સાથે વાટાઘાટ
દરમિયાન આ પક્ષીને છોડવા માટે વનના ડેપ્યુટી કન્ઝર્વેટર એ નવકિશોર રેડ્ડીએ જણાવ્યું હતું કે અમે રાજસ્થાન અને ગુજરાતમાં વન અધિકારીઓ સાથે આ પક્ષી વિશે વાત કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં જ પક્ષીને ચોક્કસ કયા રણમાં છોડી દેવું જોઈએ તે નિર્ણય લેવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.