બોગસ લોન ​​​​​​​એપ્સની કડી ચીનમાં:લોનને નામે દેશભરમાં સેંકડો લોકો સાથે રૂપિયા 300 કરોડની છેતરપિંડી

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ​​​​​​​સાઈબર પોલીસે છેતરામણાના લોન એપ્સ ચલાવતા 14 જણની ધરપકડ કરી, સાત અલગ અલગ રાજ્યોમાં દરોડા પાડીને મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો, આરોપીઓમાં છેતરામણના લોન એપ ચલાવતી કંપનીમાં પાંચ ડાયરેક્ટરો

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની સાઈબર સેલ પોલીસ દ્વારા લોનને નામે સેંકડો લોકો સાથે રૂ. 300 કરોડથી વધુની છેતરપિંડી કરવા સંબંધે દેશભરનાં સાત અલગ અલગ રાજ્યોમાં દરોડા પાડીને 14 ઠગની ધરપકડ કરી છે. આરોપીઓમાં છેતરામણા લોન એપ્સ ચલાવતી કંપનીના પાંચ ડાયરેક્ટરનો પણ સમાવેશ થાય છે.

આ કૌભાંડનો સૂત્રધાર જોકે વિદેશમાં છે. તેની કડીઓ ચીનમાં જોડાયેલી છે. આરોપીઓ ઠગાઈથી મેળવેલાં નાણાં દેશની બહાર મોકલવા માટે ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરતા હતા એવું જાણવા મળ્યું છે. જોકે આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.મુંબઈમાં છેલ્લા મહિનાઓમાં છેતરામણા લોન એપ્સ થકી લોન અપાવવાને નામે છેતરપિંડીના કિસ્સા વધી ગયા છે.

મલાડમાં મેમાં એક શખસે લોન વસૂલી એજન્ટની સતામણીથી ત્રાસીને આત્મહત્યા પણ કરી લીધી હતી. આ પછી પોલીસે જૂનથી ઠગોને પકડવા માટે વિશેષ ઝુંબેશ શરૂ કરી હતી. આરોપીઓ લોન તુરંત આપતા હતા, પરંતુ તે પછી વસૂલી કરવા અને લોન લેનાર પાસેથી ખંડણી વસૂલ કરવા માટે ગુનાખોરી અને સતામણીની પદ્ધતિ અપનાવતા હતા.વાસ્તવમાં જૂનમાં પશ્ચિમી પરાના એક શખસે 10 લોનની અરજી થકી રૂ. 3.85 લાખની લોન લીધી હતી.

આ પછી વસૂલી એજન્ટોએ 50થી 60 અલગ અલગ નંબર પરથી તેને કોલ કરીને લોન વસૂલી અને ખંડણી વસૂલી માટે ધાકધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. આ કેસની ઊંડાણથી તપાસ કરતાં તેનાં મૂળિયાં અનેક રાજ્યમાં ફેલાયેલાં હોવાનું જણાયું હતું. સૌપ્રથમ જૂનમાં આંધ્ર પ્રદેશથી સુધાકર રેડ્ડીની ધરપકડ કરાઈ હતી. આ પછી ઉત્તર પ્રદેશ અને બેન્ગલોરથી વધુ ત્રણ અને મણિપુર અને ઉત્તરાખંડથી વધુ ત્રણની ધરપકડ કરાઈ હતી.

મુંબઈથી 1ની ધરપકડ
આ કેસમાં પોલીસે મુંબઈથી સ્નેહ સોમાની (31)ની ધરપકડ કરી હતી, જે મલાડ પશ્ચિમનો રહેવાસી છે. તેણે 90થી વધુ સિમ કાર્ડસનો ઉપયોગ કરીને અનેક બેન્ક ખાતાં અને બોગસ કંપનીઓ ખોલી હતી. આ કંપનીઓ થકી તેણે રૂ. 3-4 કરોડના સોદા કર્યા હતા.

ઓળખ છુપાવવા તરકીબ
આરોપીઓ એવા મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા, જેનાથી પીડિતના મોબાઈલ ફોન પર અલગ જ નંબર આવતો હતો. નૈનિતાલથી એક મહિલા પ્રિયાંશીની પણ ધરપકડ કરાઈ છે, જે ચીન ભાષા જાણતી હોવાથી બંને તરફની વાત તરજુમો કરી આપતી હતી. આરોપીઓ ઓમલેટ ટેકનોલોજીઝ નામે કંપની હેઠળ કામ કરતા હતા. આ કંપનીમાં રૂ. 130 કરોડની લેણદેણ થઈ છે. હજુ ઘણા આરોપીઓની શોધ ચલાવવામાં આવી રહી છે. અનેક બોગસ કંપનીઓનાં બેન્ક ખાતાંનું પગેરું પણ મળ્યું છે, જે અંગે વધુ તપાસ ચાલી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

વાંધાજનક વિડિયો બનાવીને ખંડણી
મણિપુરથી ઝડપાયેલા લિયેંગ શેંગ ચીનમાં બેઠેલા મુખ્ય સૂત્રધાર સાથે સંપર્કમાં હતો. તેના ડિવાઈસમાં 80 જીબી ડેટા મળી આવ્યો છે, જેમાં સામાન્ય નાગરિકો પાસેથી ખંડણી વસૂલ કરવા માટે બનાવેલા મોર્ફ કરેલા ફોટો અને વિડિયો મળી આવ્યા છે. શેંગ જ વસૂલી કરેલાં નાણાં ક્રિપ્ટોકરન્સીમાં ફેરવતો હતો. હરિયાણાથી પકડાયેલો સંજય અરોરા ગેન્ગને નકલી દસ્તાવેજોને આધારે સિમ કાર્ડસ પ્રાપ્ત કરાવી આપતો હતો. તેની પાસેથી 30 નકલી સિમ મળી આવ્યાં છે. અજયકુમાર અરુણ કુમાર વસૂલી એજન્ટો સાથે સમન્વય કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...