ડિસેમ્બર 2121માં સાંસદ ગોપાલ શેટ્ટીએ લોકસભામાં શાળાના અભ્યાસક્રમમાં શ્રીમદ ભાગવત ગીતાને સમાવવાની માગણી મૂકી હતી. શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ નાગરિકો અને તેમના બાળકોને તેમના લોકસભા મતવિસ્તાર ઉત્તર મુંબઈમાં સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે આ કાર્યક્રમ સરકારના વહીવટની રાહ જોયા વિના નિર્જલા એકાદશીના પવિત્ર અને મોટા દિવસે, 11 જૂનના રોજ યોજયો હતો. બોરીવલી પશ્ચિમના કોરા કેન્દ્ર મેદાનમાં બાળકો સાથે હજારો માતા-પિતાએ એક ભવ્ય દિવ્ય કાર્યક્રમને સફળ બનાવ્યો. શ્રીમદ્ ભગવદગીતાના અભ્યાસ માટે સેંકડો બાળકોએ પોતાનાં નામ નોંધાવ્યાં છે.
ઇસ્કોનના પ્રમુખ પરમ પૂજ્ય વ્રજ હરિદાસજી, પ. પૂજ્ય બાપજી શ્રી મગનભાઈ રાજ્યગુરુ, શ્રી કૃષ્ણ ભજનદાસજીના પ્રવચનથી કાર્યક્રમ અનુપમ બન્યો હતો. ધારાસભ્ય સુનીલ રાણેએ અભ્યાસક્રમમાં ગીતા અભ્યાસનો સમાવેશ કરવાની લોકસભામાં કરેલી માગણીની પ્રશંસા કરી હતી. ભાજપના નેતા ડો. યોગેશ દુબેએ સમગ્ર કાર્યક્રમની પ્રસ્તાવના રજૂ કરી હતી. ડો. યોગેશ દુબેનું આ પ્રસંગે મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
ધર્મપ્રેમી ઉદ્યોગપતિ સંદીપ ગુપ્તાને સાંસદ ગોપાલ શેટ્ટી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. હર્ષિતા ઓઝા, જેમણે તેમની યુટ્યુબ ચેનલ અને સોશિયલ મિડિયામાં હજારો લોકોને શ્રીમદ ભગવત ગીતાના પ્રચારનો પ્રસાર કર્યો હતો, તેમને સંતોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. વરિષ્ઠ નેતા એડ. જયપ્રકાશ મિશ્રા, શ્રીકાંત પાંડે, ગણેશ ખણકર, સહિત સમાજના અનેક પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.