રજાનો આદેશ:ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદાન માટે ગુજરાતીઓને રજા

મુંબઈ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાલઘર, નાશિક, ધુળે, નંદુરબાર જિલ્લામાં પગાર સાથે રજાનો આદેશ

મહારાષ્ટ્ર સરકારે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરી શકાય એ માટે રાજ્યના ચાર જિલ્લાઓમાં મતદારોને પગાર સાથે રજા જાહેર કરી છે. રાજ્યના પાલઘર, નાશિક, ધુળે અને નંદુરબાર જિલ્લાઓ માટે સરકારે આ આદેશ જારી કર્યો છે.

1 અને 5 ડિસેમ્બર એમ બે દિવસ માટે આ રજા જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકારના ઉદ્યોગ, ઉર્જા અને કામદાર વિભાગે આ બાબતે પરિપત્ર જારી કર્યો છે. પાલઘર, નાશિક, ધુળે અને નંદુરબાર જિલ્લા ગુજરાતની સીમા પર છે. ગુજરાતના અનેક નાગરિક મહારાષ્ટ્રના સીમાવાળા ભાગમાં નોકરી, વ્યવસાય નિમિત્તે આવ્યા છે. તેમના નામ ગુજરાતની મતદાર યાદીમાં છે.

તેથી તેઓ ત્યાં જઈને મતદાન કરી શકે એ માટે બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે. આમ તો ચૂંટણીના સમયમાં નોકરિયાતો મતદાન કરી શકે એ માટે મતદાનના દિવસે રજા કે બે કલાકની સવલત આપવામાં આવે છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી હોય ત્યારે આવો આદેશ સરકાર તરફથી આપવામાં આવે છે. હવે ગુજરાતના મતદારો મતદાન કરી શકે એ માટે મહારાષ્ટ્ર સરકારે રજા જાહેર કરી છે.

આદેશનો ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી
કેન્દ્રિય ચૂંટણી આયોગની સૂચના અનુસાર રાજ્ય સરકારે આ આદેશ જારી કર્યો હોવાનું જણાવવામાં આવે છે. ગુજરાતમાં મતદાર હોય પણ મહારાષ્ટ્રના પાલઘર, નાશિક, ધુળે અને નંદુરબાર એમ ચાર જિલ્લાઓમાં કામ કરતા હોય એવા નાગરિકો મતદાન કરી શકે એ માટે રજા અથવા સવલત આપવામાં આવી છે.

સંબંધિત જિલ્લાધિકારી, રાજ્ય ચૂંટણી આયોગ, રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સહિત ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીને આ બાબતે જણાવવામાં આવ્યું છે. આ આદેશનો ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે એવો ઈશારો પણ આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...