સેવા ખોરવાઈ:વિનાકારણ સાંકળ ખેંચવાથી 7 માસમાં 2 હજાર ટ્રેનને ફટકો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકલ-મેલ-એક્સપ્રેસના ટાઈમટેબલ પર અસર થતા સેવા ખોરવાઈ

લોકલ તથા મેલ, એક્સપ્રેસ ટ્રેનમાં આપત્કાલીન સાંકળ કેટલાક પ્રવાસીઓ કારણ વિના અથવા તદ્દન નજીવા કારણ માટે ખેંચે છે. જો કે એની અસર લોકલ અને મેલ-એક્સપ્રેસના ટાઈમટેબલ પર પડતા સેવા ખોરવાય છે. એપ્રિલથી ઓકટોબર 2022ના સાત મહિનાના સમયગાળામાં મુંબઈ વિભાગમાં આપત્કાલીન સાંકળ ખેંચવાની 1 હજાર 706 ઘટના બની જેના લીધે રેલવેની 2 હજાર 319 લોકલ અને એક્સપ્રેસ ટ્રેન મોડી દોડી.સાથેનો પ્રવાસ સમયસર ન આવ્યો હોય, પ્લેટફોર્મ પર રહી ગયો હોય, મોબાઈલ ટ્રેનમાંથી પડી જાય, ટ્રેનનું સ્ટોપેજ ન હોવા છતાં ત્યાં ઉતરવું હોય, પ્લેટફોર્મ પર સામાન ભૂલી જવો, દિવ્યાંગ ડબ્બામાં બીજા પ્રવાસીઓ સાથે પ્રવાસ કે અન્ય કારણોસર સાંકળ ખેંચવાની ઘટનાઓ બને છે.

એપ્રિલથી ઓકટોબર 2022ના સમયગાળામાં સીએસએમટીથી ખપોલી, કસારા, પનવેલ, ઈગતપુરી, લોનાવલા જેવા સ્ટેશનવાળા મુંબઈ વિભાગમાં લોકલ અને મેલ-એક્સપ્રેસના ડબ્બામાં કારણ વિના સાંકળ ખેંચવાની 1 હજાર 706 ઘટના બની હતી. આ ઘટનાના કારણે લોકલ અને મેલ-એક્સપ્રેસની ફેરી રખડી પડે છે. છેલ્લા સાત મહિનામાં 1 હજાર 225 મેલ-એક્સપ્રેસ અને 1094 લોકલ ફેરીઓ મોડી પડી હોવાની માહિતી મધ્ય રેલવે તરફથી આપવામાં આવી. એપ્રિલ 2022માં 143 મેલ-એક્સપ્રેસ અને 194 લોકલ ફેરી તથા ઓકટોબરમાં 186 મેલ-એક્સપ્રેસ અને 120 લોકલ ફેરી મોડી દોડી હતી. મે, ઓગસ્ટ, ઓકટોબરમાં ગિરદીના સમયે સાંકળ ખેંચવાની ઘટનાઓ વધારે બની છે.

સાંકળ ખેંચ્યા પછી ટ્રેન ફરીથી શરૂ થવા માટે ઓછામાં ઓછી ચારથી પાંચ મિનિટ કરતા વધુ સમય લાગે છે. તેથી પાછળ આવતી બીજી ટ્રેનનું ટાઈમટેબલ ખોરવાય છે. લોકલ અને લાંબા અંતરની ટ્રેનમાં પ્રવાસીઓએ આપત્કાલીન સાંકળ કારણ વિના ખેંચવી નહીં. તેથી બીજી ટ્રેનોનું ટાઈમટેબલ ખોરવાય છે અને એ ફટકો પ્રવાસીઓને પડે છે. કારણ વિના સાંકળ ખેંચવામાં આવે તો એના વિરુદ્ધ કઠોર કાર્યવાહી કરવામાં આવે છે એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...