કાર્યવાહી:42.5 કરોડની બેન્ક લોન છેતરપિંડી મુદ્દે આખરે હેમંત ઝવેરીની ધરપકડ

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • છ મહિનાની શોધખોળ પછી આર્થિક ગુના શાખાને તે તેના મુલુંડ ખાતેના ઘરમાંથી મળી આવ્યો

42.5 કરોડ રૂપિયા એક્સિસ બેન્ક સાથે કથિત છેતરપિંડીના કેસમાં મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ છેલ્લા છ મહિનાથી ફરાર ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી એન્ડ સન્સ રિટેઈલ પ્રાઈવેટ લિમિટેડના પ્રમોટર હેમંત વ્રજલાલ ઝવેરી (63)ની તેના જ મુલુંડ પશ્ચિમના ફ્લેટમાંથી ધરપકડ કરી છે. નોંધનીય છે કે નામાંકિત જ્વેલરી રિટેઈલ બ્રાન્ડ ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી (ટીબીઝેડ) સાથે કંપનીને કોઈ સંબંધ નથી. કોલાબા પોલીસમાં એક્સિસ બેન્કે માર્ચમાં હેમંત ઝવેરી સાથે ગિરીશ નાયક અને કંપની સામે ગુનો દાખલ કર્યો હતો, જે પછી કેસ વધુ તપાસ માટે આર્થિક ગુના શાખાને સોંપવામાં આવ્યો હતો.

આ કંપની 2015માં રચવામાં આવી હતી અને મુલુંડમાં ઓફિસ હતી. ઝવેરી અને નાયક તેના ડાયરેક્ટર હતા. બેન્કે ફરિયાદમાં જણાવ્યું હતું કે 2015માં બંને આરોપીઓએ કીમતી ધાતુઓ અને હીરાઓનું વેચાણ અને ખરીદી માટે કેશ ક્રેડિટ સુવિધા માટે વિનંતી કરી હતી, જે મુજબ બેન્કે સપ્ટેમ્બર 2015માં રૂ. 36 કરોડ મંજૂર કર્યા હતા.કંપનીએ પ્રથમ થોડાં વર્ષ માસિક હપ્તાની નિયમિત ચુકવણી કરી હતી, પરંતુ મે 2019થી ડિફોલ્ટ કરવાનું શરૂ કર્યું હતું.

ઓગસ્ટ 2019માં બેન્ક કંપનીનું અકાઉન્ટ એનપીએ જાહેર કર્યું અને તે જ વર્ષે આરોપી કંપનીની શંકાસ્પદ લેણદેણની તપાસ કરવા માટે ફોરેન્સિક ઓડિટરની નિયુક્તિ કરી હતી.ઓડિટરે ફેબ્રુઆરી 2021માં અહેવાલમાં અનેક ગેરરીતિઓ સામે આંગળી ચીંધી હતી, જે પછી બેન્કના અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી.અહેવાલ અનુસાર કંપનીએ લોનનાં નાણાં થર્ડ પાર્ટીને વાળ્યાં હતાં, બોગસ લેણદેણ બતાવી હતી અને ખોટાં નાણાકીય નિવેદનો બનાવ્યાં હતાં. કંપનીએ લોનનાં નાણાંમાંથી ફિક્સ્ડ ડિપોઝિટ અને રિકરિંગ ફંડ્સ બનાવ્યાં હતાં.

2019 પછી બેન્કના ઓડિટર અને રિઝોલ્યુશન વ્યાવસાયિકોને નાણાકીય નિવેદન સુપરત કર્યાં નહોતાં. કંપનીએ જ્વેલરી વેપારમાં નહીં હોય તેવા વેપારીઓ સાથે લેવેચ કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું. આરોપીએ બેન્કની પૂર્વસંમતિ વિના અન્ય કંપનીઓને અસંરક્ષિત લોન મંજૂર કરી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.સપ્ટેમ્બર 2015 અને ફેબ્રુઆરી 2019 વચ્ચે કંપનીએ એક્સિસ બેન્કનીસંમતિ વિના અન્ય કંપની પાસેથી અસંરક્ષિત લોન મેળવી હતી. કંપનીએ કથિત કંપનીને રૂ. 11.78 કરોડ ચૂકવ્યા હતા, પરંતુ બેન્કની લોન પુનઃચુકવણી કરી નહોતી, એમ પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...