રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમના કુટુંબીઓ વિરુદ્ધ બેહિસાબી માલમતા ભેગી કરવાનો આરોપ કરતા હાઈ કોર્ટમાં એક જનહિત અરજી પર હાઈ કોર્ટમાં સુનાવણી થઈ હતી. દાદરના રહેવાસી ગૌરી ભિડે અને તેમના પિતા અભય ભિડેએ આ અરજી દાખલ કરી છે. જજ એસ. ગંગાપુરવાલા અને જજ ડિગેની ખંડપીઠ સમક્ષ એના પર સુનાવણી થઈ હતી. જો કે ગૌરી ભિડેએ તેમની પર અરજી પર ઉપસ્થિત કરેલા વાંધા હજી દૂર કર્યા નથી એવી ફરિયાદ ઠાકરેના વકીલે ફરી હાઈ કોર્ટ પાસે કરી હતી.
અરજી સ્વીકારવા કોઈ વકીલ તૈયાર ન હોવાથી તે પોતે જ કોર્ટમાં દલીલ માટે હાજર રહ્યા છે. પોતે દલીલ કરવા સક્ષમ છે, પોતાનો આ અરજી માટે કોઈ સ્વાર્થ નથી તેમ જ પોતાના પર કોઈ ફોજદારી ગુનો નથી એ બાબતનું એફિડેવિટ પર રજૂ કરવી જરૂરી હોય છે. આ બાબતની પૂર્તિ પોતે કરી છે એવો દાવો અરજદારે કર્યો હતો. એના પર આગામી સુનાવણી પહેલાં અરજદારે હાઈ કોર્ટના રજિસ્ટ્રારને મળીને શંકાનું નિરાકરણ કરવાનો નિર્દેશ આપતા હાઈ કોર્ટે સુનાવણી 22 નવેમ્બર સુધી મુલતવી રાખી હતી.
ઠાકરેની આવક અને તેમની સંપતિનો તાલમેલ મળતો નથી. તેથી આ પ્રકરણની સીબીઆઈ અને ઈડી મારફત તપાસ કરવાની મુખ્ય માગણી અરજીમાં કરવામાં આવી છે. મુંબઈ હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં આરોપ કરવામાં આવ્યો છે કે ઉદ્ધવ ઠાકરેની સંપતિ ભ્રષ્ટાચાર અને ગેરમાર્ગે ભેગી કરેલી બેહિસાબી માલમતા છે. એના વિરુદ્ધ પોતે 11 જુલાઈ 2022ના મુંબઈ પોલીસ કમિશનર પાસે પત્ર લખીને ફરિયાદ કરી છે. જો કે એના પર હજી કાર્યવાહી થઈ નથી.
ઠાકરેના ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના પુરાવાઓ હોવા છતાં કાર્યવાહી થતી નથી એવો આરોપ કરતા આ અરજીમાં કેન્દ્રિય ગૃહ મંત્રાલય, કેન્દ્રિય નાણાં મંત્રાલય, સીબીઆઈ, મુંબઈ પોલીસ કમિશનર, ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, રશ્મિ ઠાકરે અને તેજસ ઠાકરે એમ બધાને પ્રતિવાદી કરવામાં આવ્યા છે.
આ બધાએ ભારતીય રાજ્યબંધારણ, આઈપીસી, સીઆરપીસી, ભ્રષ્ટાચાર પ્રતિબંધક કાયદો, લોકપ્રતિનિધી કાયદો એમ તમામ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી છે, આદિત્ય ઠાકરે તેમની કેબિનેટમાં મહત્વના મંત્રી હતા. તેથી લોકપ્રતિનિધી તરીકે જ તેમને ભ્રષ્ટાચાર પ્રતિબંધક કાયદો અને આઈપીસીની કલમ 21 લાગુ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.