મુંબઇમાં અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે 14 જૂન, 2020ના રોજ તેના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કર્યા પછી આ મામલે અનેક નાટકીય વળાંક આવ્યા. સુશાંતના મૃત્યુની ઘટનાને અઢી વર્ષથી વધુ સમય વીતી ગયો છતાં વાદવિવાદ હજુ પણ ચાલુ જ છે. મુંબઇ, બિહાર પોલીસ, સીબીઆઈ અને એ પછી આ મામલે આર્થિક વ્યવહારો અને ડ્રગ્સનું પાસું બહાર આવતાં ઈડી અને એનસીબીએ કેસની તપાસ કરી ચૂકી છે. હજુ પણ સુશાંતે આત્મહત્યા કરી કે હત્યા થઈ છે તે અંગે દાવા- પ્રતિદાવા કરાઈ રહ્યા છે. થોડા સમય પૂર્વે કૂપર હોસ્પિટલના પોસ્ટમોર્ટમ કરનારા એક કર્મચારીએ સુશાંતની હત્યા થઈ છે એવું કહેતાં ફરી વિવાદ શરૂ થયો છે.
હવે ભાજપના વિધાનસભ્ય નિતેશ રાણેએ સોમવારે ટ્વિટર પર આ સંદર્ભમાં એક વિડિયો શેર કરીને નામ લીધા વિના આદિત્ય ઠાકરે પર નિશાન સાધવાનો પ્રયાસ કર્યો હતો.નિતેશ રાણેએ ફોટોને ટાંકતાં દાવો કર્યો છે, કે સુશાંતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી રહ્યો છે. કૂપરનો પોસ્ટમોર્ટમ કરનારો કર્મચારી રૂપકુમાર શાહ સુશાંતનો મૃતદેહ લઈને જતાં જોવા મળે છે. આ દરમિયાન તે ત્યાં હાજર હતો, આખરે સત્ય બહાર આવ્યું, અબ બેબી પેંગ્વિન દૂર નહી હૈ, ન્યાય થશે, એમ કહીને નિશાન સઆધ્યું છે. દરમિયાન રૂપકુમાર શાહે દાવો કર્યો હતો, કે સુશાંતનું મોત આત્મહત્યા નહીં પરંતુ હત્યા છે.
મૃતકના શરીર પર ઈજાનાં નિશાન હતા.સુશાંતનું પોસ્ટમોર્ટમ મુંબઈની કૂપર હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. આ હોસ્પિટલના કર્મચારી રૂપકુમાર શાહે ચોંકાવનારો ખુલાસો કર્યો છે, સુશાંતની લાશ જોઈને તેને લાગતું ન હતું કે આ આત્મહત્યાનો મામલો છે. સુશાંતનું મૃત્યુ થયું ત્યારે અમને કૂપર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે 5 મૃતદેહો મળ્યા હતા. તેમાંથી એક વીઆઇપી બોડી હતી. જ્યારે અમે પોસ્ટમોર્ટમ માટે ગયા ત્યારે અમને ખબર પડી કે લાશ સુશાંતની છે. તેના શરીર પર ઘણા નિશાન હતા.
ગળા પર બે-ત્રણ નિશાન પણ હતા. સુશાંતનું શરીર અલગ દેખાતું હતું. હું મારા ઉપરી અધિકારીઓ પાસે ગયો અને કહ્યું કે આ આત્મહત્યાનો કેસ નથી લાગતો. સુશાંતના ગળા પરના નિશાન ફાંસી પર લટકેલા જોવા મળ્યા ન હતા.જોકે ઉપરીએ પોસ્ટમોર્ટમ કરવા કહ્યું છે તેટલું જ કામ આપણે કરવાનું છે એમ કહીને વાત દબાવી દીધી હતી, એમ રૂપકુમારે દાવો કર્યો હતો. રૂપકુમારના દાવા પછી, સુશાંતની બહેનોએ તરત જ પ્રતિક્રિયા આપી હતી. શ્વેતા સિંહ અને કીર્તિએ રૂપકુમારને સુરક્ષા આપવાની માગણી કરી હતી. શ્વેતાએ પોતાના ટ્વિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને ટેગ કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.