મારપીટ:થાણેના થિયેટરમાં હર હર મહાદેવ ફિલ્મ બંધ કરાવી દર્શકોની મારપીટ

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિતેન્દ્ર આવ્હાડ સહિત 100થી વધુ તોફાનીઓ સામે ગુનો

મરાઠી ફિલ્મ હર હર મહાદેવ બંધ પાડીને દર્શકોની મારપીટ કરવા સંબંધે થાણે પોલીસે મંગળવારે રાષ્ટ્રવાદીના નેતા જિતેન્દ્ર આવ્હાડ અને કમસેકમ 100 અન્ય તોફાનીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના સોમવારે રાત્રે બની હતી. આવ્હાડ અને તેમના સમર્થકો થાણ શહેરના મલ્ટીપ્લેક્સમાં ઘૂસી ગયા હતા અને શો બંધ કરાવ્યો હતો. ફિલ્મમાં ઈતિહાસનું ખોટું નિરૂપણ કરવામાં આવ્યું હોવાનો તેમને આરોપ છે. ફિલ્મ બંધ કરાવતાં અમુક દર્શકોએ પૈસા પાછા માગ્યા હતા અને આ રીતે ફિલ્મ બંધ પાડવા માટે ટિપ્પણીઓ કરી હતી, જે પછી આવ્હાડ અને તેમના સમર્થકોએ અમુક દર્શકોની મારપીટ કરી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.આ સંબંધે તપાસ ચાલુ છે.

હજુ કોઈની ધરપકડ કરાઈ નથી. એક દર્શની ફરિયાદ પરથી આવ્હાડ સામે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ગેરકાયદે ટોળું ભેગું કરવું, કલમ 323 (ઈજા પહોંચાડવી) અને 504 (શાંતિભંગ કરવા સાથે હેતુપૂર્વક અપમાન કરવું) અને મહારાષ્ટ્ર પોલીસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

શો બંધ પાડ્યા પછી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના કાર્યકરો દ્વારા તે ફરી શરૂ કરાવવામાં આવ્યો હતો.નોંધનીય છે કે રાજ્યસભાના માજી સાંસદ અને કોલ્હાપુરના શાહી પરિવારના વંશજ સંભાજી છત્રપતિ દ્વારા રવિવારે ચેતવણી આપવામાં આવી હતી કે જો છત્રપતિ શિવાજી મહારાજ પર કોઈ પણ ફિલ્મમાં વાસ્તવિકતાની ખોટી રજૂઆત કરવામાં આવશે તો ફિલ્મ રિલીઝ નહીં થાય તે માટે સર્વ પ્રયાસ કરીશું.તેમણે તાજેતરમાં રિલીઝ થયેલી હર હર મહાદેવ અને અન્ય એક આગામી મરાઠી ફિલ્મ સામે નારાજી વ્યક્ત કરી હતી. સોમવારે મરાઠા સંગઠન સંભાજી બ્રિગેડના કાર્યકરોએ પુણે શહેરમાં હર હર મહાદેવનો શો બંધ પાડ્યો હતો.સંભાજી બ્રિગેડનો આરોપ છે કે હર હર મહાદેવમાં ઈતિહાસને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય એક આગામી ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજના સૈનિકોને અયોગ્ય રીતે દર્શાવવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...