વરસાદની આગાહી:માંડવીમાં અડધો ઇંચ, ધૂપછાંવ વચ્ચે પૂર્વ કચ્છમાં ઝરમર સાથે મેઘરાજાની હાજરી

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદની આગાહી વચ્ચે દિવસભર વાદળો છવાયા

ગુરૂવારે કચ્છમાં ભારે વરસાદની આગાહી વચ્ચે માંડવીમાં અડધો ઇંચ તેમજ પૂર્વ કચ્છમાં ઝરમર રૂપે મેઘરાજાની હાજરી રહી હતી. જ્યારે પશ્ચિમ કચ્છ મોટે ભાગે વાદળછાયા માહોલ વચ્ચે મેઘ વિરામ રહ્યો હતો. 26 ઇંચ કરતાં વધુ વરસાદ સાથે તરબતર થયેલા માંડવીમાં ગત મોડી રાત્રે ઝરમર વરસ્યા બાદ સવારે 6થી 8ના અરસામાં વધુ 14 મીલિ મીટર પાણી પડ્યું હતું.

જેને પગલે વાતાવરણમાં ઠંડક અનુભવાઇ હતી. દિવસભર મેઘાવી માહોલ છવાયેલો રહ્યો હતો. પૂર્વ કચ્છના અંજાર, ભચાઉ અને રાપરમાં સવારે ઝરમર પડતાં માર્ગો ભીંજાયા હતા જ્યારે ગાંધીધામમાં સવારે ઝાપટાં સાથે 5 મીલિ મીટર પાણી વરસ્યું હોવાનું કંટ્રોલ રૂમમાંથી જાણવા મળ્યું હતું.

પશ્ચિમ કચ્છને ન્યાલ કરી દેનારા મેઘરાજાએ ગુરૂવારે પણ વિરામ લેતાં નખત્રાણા, લખપત અને અબડાસા તાલુકો કોરો રહ્યો હતો. જિલ્લા મથક ભુજમાં સૂર્યની વાદળો સાથે સંતાકૂકડી જોવા મળી હતી અને બફારો પણ અનુભવાયો હતો.

આજે ભારે વરસાદની આગાહી
કચ્છમાં કેટલાક સ્થળે આજે શુક્રવારે ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા દર્શાવાઇ છે. પાંચ દિવસ માટે વ્યક્ત કરાયેલાં પૂર્વાનુમાનમાં શનિવારથી વાતાવરણ સૂર્ય પ્રકાશિત રહેશે તેમ વેધશાળાની યાદીમાં જણાવાયું હતું. દરમિયાન કચ્છમાં મહત્તમ તાપમાન સરેરાશ 32 ડિગ્રી અને ન્યૂનતમ 26 ડિગ્રી રહ્યું હતું જે સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું હતું.

પશ્ચિમ કચ્છમાં વરસાદે વિરામ લેતાં વાવેતર શરૂ
દયાપર | લખપત તાલુકામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ વિરામ લેતાં લોકોમાં રાહત સાથે ખુશી ફેલાઇ છે. તો આ વર્ષે અષાઢ માં જ પડેલા અનરાધાર વરસાદે વિરામ લેતાં તાલુકાના મેઘપર વિસ્તારમાં ખેડૂતો દ્વારા પોતાના વાવેતરમાં વાવણી કાર્યના પણ શ્રી ગણેશ કરી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...