રસીકરણ ઝુંબેશ શરૂ:મુંબઈમાં ગોવરુંના કેસ વધ્યાઃ 1 બાળકના મોતથી પાલિકા સતર્ક

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 9 મહિનાથી 16 મહિનાના બાળકોનું રસીકરણ પૂરું કરવા ઝુંબેશ શરૂ

મુંબઈના કેટલાક ભાગોમાં ગોવરું અને રૂબેલાએ અચાનક ઊથલો માર્યો છે. ખાસ કરીને એક બાળકના ગોવરુંથી મૃત્યુ પછી મહાપાલિકા તંત્ર સાબદું થઈ ગયું છે અને રસીકરણ પૂરું કરવા અનુરોધ કર્યો છે. આ સાથે રસીકરણ માટે ઝુંબેશ પણ શરૂ કરી છે.આ બીમારીઓથી રક્ષણ માટે બાળકોને 9 મહિના પૂરા થવા પર પ્રથમ રસી અને 16 મહિના પૂરા થવા પર બીજી રસી આપવાનું મહત્ત્વપૂર્ણ છે, જે મહાપાલિકા દ્વારા તેના આરોગ્ય કેન્દ્ર, દવાખાના, સામાન્ય હોસ્પિટલો અને મેડિકલ કોલેજ ખાતે મફત ઉપલબ્ધ છે.

ખાસ કરીને એફ નોર્થ, એચ ઈસ્ટ, એલ, એમ ઈસ્ટ અને પી નોર્થ વોર્ડમાં 0થી 5 વયવર્ષના બાળકોમાં ગોવરું અને રૂબેલા બીમારીનો ચેપ વધ્યો હોવાનું જોવા મળ્યું છે. આથી આ વોર્ડમાં વધારાના રસીકરણ સત્ર યોજવામાં આવી રહ્યા છે, એમ મહાપાલિકાના આરોગ્ય વિભાગે બુધવારે જણાવ્યું હતું.

ગોવરું, રૂબેલા બીમારીને ડિસેમ્બર 2023 સુધી સંપૂર્ણ નાબૂદ કરવાના ધ્યેય સાથે પગલાં લેવામાં આવી રહ્યાં છે. આમ છતાં છેલ્લા થોડા સપ્તાહથી ઉક્ત વોર્ડમાં કેસ વધેલા અને એક બાળકનું મૃત્યુ થયું હોવાનું જણાયું છે. આથી ઘેર ઘેર જઈને સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. શંકાસ્પદ દર્દીઓના લોહીના અને પેશાબના નમૂના તપાસ માટે લેવામાં આવી રહ્યા છે. સર્વેક્ષણમાં કુલ દર્દીઓની સંખ્યામાંથી આશરે 10 ટકા બાળકોનું રસીકરણ પૂરું કરાયું નથી અને 25 ટકા બાળકોનું રસીકરણ થયું નથી એવું ધ્યાનમાં આવ્યું છે.

આ લક્ષણોનું ધ્યાન રાખો
બાળકોને શરદી, ખાંસી અને શરીર પર લાલ ચાઠાં પડે છે. રસી નહીં લીધી હોય તેવા બાળકોને આ બીમારીને લીધે આગળ જતાં ગૂંચ ગંભીર બની શકે છે. દા.ત. ફેફસામાં દાહક સોજો, અતિસાર, મગજનો ચેપ અને ગર્ભવતી સ્ત્રીને રૂબેલાનો ચેપ લાગુ થતાં ગર્ભમાં બાળકમાં વિકૃતિ નિર્માણ થઈ શકે છે. સંપૂર્ણ રસીકરણ થયેલા બાળકોમાં આવા પ્રકારની ગૂંચની શક્યતા ઓછી હોય છે, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...