મહારાષ્ટ્ર રાજ્યના સત્તા સંઘર્ષની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. બુધવારની સુનાવણી સોલિસિટર જનરલ તુષાર મહેતાની દલીલો સાથે શરૂ થઈ હતી. મહેતાએ તત્કાલીન રાજ્યપાલ કોશ્યારી વતી રજૂઆત કરી હતી.
તેની સામે ચીફ જસ્ટિસે મહત્ત્વની ટિપ્પણી કરી હતી. રાજ્યપાલ ત્રણ વર્ષ સત્તામાં હતા, પરંતુ શું ત્રણ વર્ષનું સુખી જીવન એક રાતમાં તૂટી ગયું? મુખ્ય ન્યાયાધીશે આ પ્રશ્ન ઉઠાવ્યો હતો. વળી, બળવો એક પક્ષમાં હતો. કોંગ્રેસ અને એનસીપીના 97 ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરેની તરફેણમાં હતા. એવું લાગે છે કે રાજ્યપાલ દ્વારા આ અંગે વિચારણા કરવામાં આવી નથી. મહેતાએ જવાબ આપ્યો કે શિવસેના વિધાનમંડળ પક્ષે એકનાથ શિંદેને વિધાનમંડળ પક્ષના નેતા તરીકે ચૂંટ્યા હતા, તેથી જ રાજ્યપાલે તેમને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું.
અમે શિવસેના છીએ. અમે પાર્ટીમાંથી અલગ થયા નથી. અમારું કોઈ જૂથ નથી. અમે 40 ધારાસભ્ય બાળાસાહેબના વિચારને આગળ વધારી રહ્યા છીએ. શિંદે વારંવાર કહી રહ્યા છે, કે અમે કોંગ્રેસ-રાષ્ટ્રવાદી પાર્ટી સાથેનું જોડાણ તોડવાનો નિર્ણય બાળાસાહેબની અપેક્ષા અને તેમની વિચારધારા અનુસાર કર્યો છે.
સત્તા સંઘર્ષમાં સુનાવણી દરમિયાન તેમણે અમે શિવસેના છીએ એ વાત પકડી રાખી છે, પરંતુ બંને પક્ષોની દલીલો પૂરી થયા પછી અને રાજ્યપાલ વતી દલીલ કરી રહેલા મહેતાને ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો, જેનાથી રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે શિંદેને પણ મૂંઝવણમાં મુકાયા છે.
શરૂઆતમાં મહેતાએ જણાવ્યું કે હું સાત બાબતોના આધારે રાજ્યપાલનો કેસ રજૂ કરી રહ્યો છું, પરંતુ જ્યારે દલીલો ચાલી રહી હતી ત્યારે ચંદ્રચુડે મહેતાને પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. મહેતાએ કહ્યું કે મારું વાત પૂરી થયા પછી તમે મને પ્રશ્ન પૂછો. ચીફ જસ્ટિસે જણાવ્યું કે મારી પાસે જે પ્રશ્નો છે તે હું પૂછતો રહીશ, તમે તમારો અભિપ્રાય રજૂ કરતા રહો.
રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાને બદલે રાજ્યપાલે બહુમત પરીક્ષણ કરાવવાનો નિર્દેશ આપ્યો. જો ધારાસભ્યો પાર્ટીના આદેશ વિરુદ્ધ મતદાન કરે તો દસમી સૂચિ મુજબ કાર્યવાહી થશે, પરંતુ પહેલા રાષ્ટ્રપતિ શાસનનું આત્યંતિક પગલું ભરવાને બદલે બહુમત પરીક્ષણ લેવું જોઈએ. એડવોકેટ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે આ કેસમાં રાજ્યપાલે આવું જ કર્યું છે.તમે વારંવાર કહો છો કે તમે શિવસેના છો, મતલબ કે તમારી સાથે જે 34 ધારાસભ્યો છે તે પણ શિવસેનાના સભ્ય છે. જો તેઓ ખુદ શિવસેનાના સભ્યો છે તો ગૃહમાં બહુમતી સાબિત કરવાનો પ્રશ્ન જ ક્યાં આવે છે? આ સવાલ પૂછીને ચીફ જસ્ટિસે એડવોકેટ મહેતાને ચૂપ કરી દીધા.
કોંગ્રેસ- રાષ્ટ્રવાદીને કેમ અવગણ્યા
મહાવિકાસ આઘાડી સરકારમાં તે પક્ષો ત્રણ વર્ષ સુખેથી જીવ્યા, પછી રાતોરાત એવું શું થયું જેણે ત્રણ વર્ષનો સંસાર તોડી નાખ્યો. કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી પાસે 97 ધારાસભ્યો છે. તે પણ ખૂબ મોટું જૂથ છે. શિવસેનાના 56માંથી 34 ધારાસભ્યોએ અવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેથી મતભેદો બાદ પણ ત્રણેય પક્ષોમાંથી માત્ર શિવસેના મોરચામાં રહી હતી.
રાજ્યપાલે બહુમતી પરીક્ષણ કરાવવા પૂર્વે આ કેમ ધ્યાનમાં ન લીધું? સરકારની રચનાના એક મહિનામાં ધારાસભ્યોનું સરકાર વિરોધી વલણ કે પક્ષના નેતૃત્વ સાથે મતભેદો થયા નથી. આ બધું ત્રણ વર્ષ પછી થયું. તેથી અચાનક એક દિવસ શિવસેનાના 34 સભ્યોએ વિચાર્યું કે કોંગ્રેસ- રાષ્ટ્રવાદી સાથે તેમનો મતભેદ છે. પછી વિચારધારાનો મુદ્દો હતો તો ત્રણ વર્ષ સુધી ચૂપ કેમ રહ્યા?
પક્ષ તોડવામાં મદદ
ચોમાસુ સત્ર નજીક આવી રહ્યું છે ત્યારે રાજ્યપાલ વિશ્વાસ મત માટે સત્ર બોલાવે છે તેનો અર્થ એવો થાય છે કે રાજ્યપાલ સરકારને ઊથલાવવામાં ફાળો આપી રહ્યા છે અને પક્ષને તોડવામાં મદદ કરી રહ્યા છે. ચંદ્રચુડે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે રાજ્યપાલે તેમની મર્યાદામાં રહેવું જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.