ભાસ્કર વિશેષ:ગાથાઃ વાર્તાકથન, પઠન,શ્રવણનો આં.રાષ્ટ્રીય મહોત્સવ

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોમૈયા વિદ્યાવિહાર અને મુંબઈ સ્ટોરી ટેલર્સ સોસાયટીનું અનોખું નજરાણું

વાર્તા કહેવી અને સાંભળવી બન્નેની આગવી મજા છે. વાર્તા કહેવાતી વખતે કહેનારના હાવભાવ, સ્વરભાર, આરોહ-અવરોહ વગેરેને લીધે સાંભળનારને જાણે તે વાર્તા જીવતાં હોય એવો અનુભવ થાય છે. જીવનમાં દરેક વ્યક્તિની, દરેક ઘટનાની, કોઈ સફળતાની તો કોઈ અગવડતાની, કોઈ પ્રવાસની, કોઈ ધંધાની, કોઈ વણાટની તો કોઈ ચણાટની દરેકની જુદી જ વાર્તા હોય છે. વાર્તા કોઈ એકની કે કોઈ સમૂહ કે સંસ્થાની પણ હોઈ શકે. વાર્તાના રહસ્યમાં જ એની રસિકતા રહેલી હોય છે. આથી સમગ્ર વાર્તાપ્રેમીઓ માટે સોમૈયા વિદ્યાવિહાર યુનિવર્સિટી અને મુંબઈ સ્ટોરીટેલર્સ સોસાયટી લાવી રહ્યા છે આંતરરાષ્ટ્રસ્તરીય ત્રિદિવસીય વાર્તાકથન કાર્યક્રમ “ગાથા”.

ગાથા એ મુંબઈ આંતરરાષ્ટ્રીય વાર્તાકથનની કલાની ઉજવણીનો એક ઉત્સવ છે. જે વાર્તાકારો, કથાકારો, શ્રોતાઓના સમુદાયને એકસાથે લાવે છે. ગાથા એ નોખી-અનોખી વાર્તાકલાનો શહેરભરમાં સૌપ્રથમવાર ઉજવાઈ રહેલો અવસર છે, જે સોમૈયા વિદ્યાવિહાર સંકુલ અને કિતાબખાના (ફોર્ટ)માં 17-19 ફેબ્રુઆરી દરમ્યાન ઉજવાશે. આ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ વાર્તાકલાની મૌખિક પરંપરાના જતન અને પ્રોત્સાહનનો છે. આ મંચ દ્વારા સ્થાપિત અને નવોદિત બંને વાર્તાકારો તેમના પ્રેક્ષકો સાથે જોડાઈ શકશે.

તમે અનુભવી વાર્તાકાર હોવ કે માત્ર વાર્તાના ચાહક, ગાથા સ્ટોરીટેલિંગ ઈવેન્ટ એ એવો ફેસ્ટિવલ છે કે તેને ચૂકી ન શકાય.આ ત્રિદિવસીય ઉત્સવમાં વિશ્વના જુદી જુદી પાંચ ભાષાના વાર્તાકારો, શ્રોતાઓ એકબીજાના પરિચયમાં આવશે. એકજ સ્થળે વાર્તાઓની વિવિધ શૈલી અને સ્વરૂપનો ખજાનો મળી રહેશે. આ ઉત્સવમાં વાર્તાકથનની વિવિધ પદ્ધતીઓ વિવિધ ભાષા જેમ કે, ગુજરાતી, મરાઠી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજીમાં જોવા મળશે. કોઈ મૌખિક વાર્તા કહેશે તો કોઈ રાગ અને સંગીતમાં, કોઈ નૃત્ય દ્વારા વાર્તાને રજૂ કરશે તો કોઈ વણાટકામ, પ્રદર્શન કે અન્ય સર્જનાત્મક શૈલી દ્વારા. આ માત્ર એક ઉત્સવ નથી પરંતુ માનવ સમુદાયને વિશ્વની વિવિધ સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડતો એક અવસર સાબિત થશે.

કથાઓની ઝાંખી કરાવાશે
આ ફેસ્ટિવલમાં વ્યાવસાયિક કલાકારો, કલાપ્રેમી વાર્તાકારો, સ્થાનિક વાર્તાકારો અને આંતરરાષ્ટ્રીય કલાકારો વાર્તાઓની વિશાળ અને અદ્દભૂત શ્રેણી પ્રસ્તૃત કરશે. વાર્તાઓ પરંપરાગત લોકકથાઓ અને દંતકથાઓથી માંડી વ્યક્તિગત, ઐતિહાસિક અને કાલ્પનિકતાભરી કથાઓની ઝાંખી કરાવશે. વાર્તાકારો તેમની વાર્તાઓને જીવંત અને બોલકું સ્વરૂપ આપવા કઠપૂતળી, નૃત્ય, થિયેટર, ડાયરો, ભારુડ, પોવાડા, નાટક, અભિનયકથા,વર્કશોપ, પેનલ ડિસ્કશન, સ્ટોરીવૉક વગેરેનો પણ ઉપયોગ કરશે.