આંચકાજનક ઘટના:જુહુ બીચ પર ડામરના ગોળાઓ સાથે પ્લાસ્ટિક સહિત કચરાનો ઢગલો થયો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્રુડ ઓઈલના ગળતરથી ડામરના ગોળા થયાનો અંદાજ

શહેરના સૌંદર્યમાં ઉમેરો કરતો અને હજારો મુંબઈગરાના સૌથી મનગમતા બીચમાંથી એક જુહુ બીચ પર એક આંચકાજનક ઘટના સામે આવી છે. બીચ પર ડામરમા ગોળા બહાર આવ્યા છે. આ ડામરના ગોળાનો ઢગલો બીચ પર પડ્યો છે. દૂર સુધી આ ગોળા ફેલાયેલા છે. ક્રુડ તેલના ગળતરમાંથી આ ગોળા તૈયાર થયા હોવાનું નિષ્ણાતોમાને છે.ઉપરાંત મોટે પાયે પ્લાસ્ટિક સહિતનો કચરો પણ બહાર આવ્યો છે.

મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસથી મુશળધાર વરસાદ પડતો હતો. તેથી સમુદ્ર પણ તોફાની બન્યો હતો. આ દરમિયાન કચરો દરિયાકાંઠે તણાઈને બહાર આવ્યો છે. સ્થાનિકો અનુસાર અનેક વાર આવા ડામરના ગોળા જોવા મળે છે. આ ગોળાઓને લીધે બીચનું સૌંદર્ય અભડાવા સાથે અન્ય ઉભયચર પ્રાણીઓના જીવ સામે પણ જોખમ ઊભું થાય છે. તેમના પ્રજનનમાં અવરોધ પેદા થાય છે, એમ નિષ્ણાતો કહે છે.

દરમિયાન આગામી ત્રણ દિવસ મુશળધાર વરસાદનો ઈશારો આપવામાં આવ્યો છે, કોંકણ, રત્નાગિરિ, સિંધુદુર્ગમાં રેડ એલર્ટ જાહેર કરાયો છે. મુંબઈ, થાણે, પાલઘર, દહાણુ, નવી મુંબઈમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. છેલ્લા થોડા દિવસથી પડી રહેલા વરસાદને કારણે રાજ્યમાં અનેક જિલ્લામાં પાક પાણી હેઠળ આવી ગયા છે. અનેક ગામોમાં પૂરનાં પાણી ઘૂસી જવાથી સંપર્ક તૂટી ગયો છે. હજારો ઘરને નુકસાન થયું છે. હજારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત સર્વ જિલ્લાઓમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો અહોરાત્ર સેવા આપી રહી છે.

હમણાં સુધી 67નાં મોત : રાજ્યમાં વરસાદના હાહાકારમાં શનિવાર સુધી 67 જણનં મોત થયાં હતાં, જ્યારે 150થી વધુ જનાવરોનાં પણ મોત થયાં છે. અનેક જણ ઘાયલ છે. અનેક લોકો ઘરવિહોણા થઈ ગયા છે. વરસાદનું જોર ઓછું નહીં થાય તો હાલાકી વધી શકે છે. આને કારણે મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ પણ સર્વ જિલ્લાધિકારીઓને સંપૂર્ણ યંત્રણાને ખડેપગે ધ્યાન રાખવા માટે સૂચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...