ભાસ્કર વિશેષ:આજથી મોબાઈલ એપ દ્વારા વેલે પાર્કિંગ સુવિધા, બેસ્ટના ડેપોમાં હવે વાહનચાલક વાહન પાર્ક કરવા જગ્યા બુક કરી શકશે

મુંબઈ3 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુંબઈમાં હવે વાહન પાર્ક કરવા મોબાઈલ એપના માધ્યમથી જગ્યાનું બુકિંગ કરી શકાશે. મુંબઈમાં પાર્કિંગ લોટની ઓછપ જોતા બેસ્ટ પ્રશાસને વેલે પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરી આપવાની યોજના તૈયાર કરી છે. 7 ઓગસ્ટથી એની અમલબજાવણી થશે. એના લીધે બેસ્ટ માટે આવકનો સ્ત્રોત ઊભો થશે. બેસ્ટે ડેપો અને બસ સ્ટેશનમાં ખાલી જગ્યામાં ખાનગી વાહન માટે પાર્કિંગ લોટ ઊભા કર્યા છે. મુંબઈમાં બેસ્ટના 27 ડેપો છે અને આ તમામ ઠેકાણે પાર્કિંગ લોટ છે. એમાં ડેપો કે બસ સ્ટેશનમાં આવીને શુલ્ક ચુકવીને વાહન પાર્ક કરવાના હોય છે.

અત્યારે બધા ડેપોમાં મળીને લગભગ 200 કરતા વધુ વાહન પાર્ક થઈ શકે છે. જો કે ઘણી વખત વાહન પાર્ક કરવા જગ્યા ઉપલબ્ધ ન હોવાથી વાહનચાલકે પાછા જવું પડે છે. એના પર ઉકેલ તરીકે હવે વાહન પાર્ક કરવા જગ્યાનું બુકિંગ કરવાની સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવશે. મોબાઈલ એપના માધ્યમથી વેલે પાર્કિંગ શરૂ કરવાનો નિર્ણય બેસ્ટ પ્રશાસને લીધો છે એવી માહિતી બેસ્ટ ઉપક્રમે આપી હતી. પાર્ક પ્લસ એપ પર ડેપો અને બસ સ્ટેશનના પાર્કિંગ લોટમાં ઉપલબ્ધ જગ્યાની માહિતી સહેલાઈથી મળશે. તેથી વાહનચાલક એને જોઈએ એ ઠેકાણે વાહન પાર્ક કરવા જગ્યા બુક કરી શકશે.

તેમ જ ડિજિટલ માધ્યમથી વાહનશુલ્ક ભરી શકશે. શરૂઆતમાં કોલાબા, મુંબઈ સેંટ્રલ, વરલી, દિંડોશી અને બાન્દરા ખાતે આ સુવિધા મળશે. એમાં બે કલાક માટે કોઈ પણ પ્રકારના વાહન માટે 100 રૂપિયા અને બે કલાક પછી કલાક દીઠ 30 રૂપિયા લેવામાં આવશે. અત્યારે ચાલક જાતે જગ્યા શોધીને વાહન પાર્ક કરે તો છ કલાક માટે 25 રૂપિયા, બાર કલાક માટે 30 રૂપિયા તથા થ્રી વ્હીલર અને ફોર વ્હીલર માટે 12 કલાકના 70 રૂપિયા લેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...