પ્રવાસીઓની સતત વધતી સંખ્યાને કારણે ટ્રેનોમાં થતી ભીડને ધ્યાનમાં રાખીને મુંબઈ ઉપનગરીય વિભાગમાં ટ્રેન સેવાઓ બહેતર બનાવવા અને ટ્રેનોમાં વધુ પ્રવાસીઓને સમાવવા માટે પશ્ચિમ રેલવે દ્વારા અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મુજબ બાર ડબ્બાની 26 લોકલ ટ્રેનોને 15 ડબ્બામાં ફેરવવામાં આવશે. બંને દિશામાં 13-13 ટ્રેન સેવાનો આમાં સમાવેશ થાય છે.
આ 26 સેવાઓમાંથી 10 સેવા ફાસ્ટ લાઈન પર ચાલશે. આ નિર્ણયનો અમલ 21 નવેમ્બરથી શરૂ થશે.પ્રવાસીઓ માટે આ આશીર્વાદરૂપ સાબિત થશે, એમ પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું. આ મહત્ત્વપૂર્ણ નિર્ણયને કારણે દરેક ટ્રેનની વહન ક્ષમતામાં 25 ટકાથી વધારો થશે. આ સાથે પંદર ડબ્બાની ટ્રેન સેવાઓ 106 પરથી તે 132 સુધી વધી જશે. જોકે સેવાઓની કુલ સંખ્યામાં કોઈ ફેરફાર નહીં થશે, એટલે કે, 79 એસી લોકલ સેવાઓ સહિત 1383 સેવાઓ. આ ક્ષમતા વધારાને લીધે પ્રવાસ સુવિધાજનક અને આરામદાયક થશે.
પશ્ચિમ રેલવેએ 1986માં બાર ડબ્બાની સેવાઓ સૌપ્રથમ શરૂ કરી હતી. આ પછી ઉપનગરીય વિભાગ પર તેની ફાસ્ટ લાઈન પર 2009માં 15 ડબ્બાની ટ્રેનો શરૂ કરવામાં આવી હતી. આ પછી 25 ડિસેમ્બર, 2017માં એસી લોકલ ટ્રેન શરૂ કરવામાં દેશમાં તે પ્રથમ હતી. 28મી જૂન, 2021ના રોજ અંધેરી અને વિરાર વચ્ચે 25 પંદર ડબ્બાની ટ્રેન સેવાઓ રજૂ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.