પતિની મારઝૂડથી ત્રસ્ત થયેલી ભારતીય મહિલાનો સેન્ટ્રલ આફ્રિકાથી ફક્ત દિવસમાં છુટકારો થયો છે. મીરા ભાયંદર વસઈ વિરાર પોલીસ કમિશનરેટના ભરોસા સેલે આ અભૂતપૂર્વ કામગીરી પાર પાડી છે અને દાખલો બેસાડ્યો છે. આ કામગીરીને કારણે કૌટુંબિક હિંસાચારના આવા અન્ય કિસ્સામાં પણ આ પગલું લઈ શકાય છે એવો વિશ્વાસ પોલીસને છે.
આ મહિલા હાલમાં જ ભારતમાં દાખલ થઈ ચૂકી છે. તે ભારતમાં આવતાં જ પોલીસે તેને તેની માતા પાસે સોંપી દીધી છે.મહિલાની જુબાની નોંધી લીધા પછી પોલીસ હવે આગળની કાર્યવાહી શરૂ કરશે. ભાયંદર પશ્ચિમ પોલીસ સ્ટેશનના ભરોસા સેલમાં એક મહિલાએ 3 જૂનના રોજ ફરિયાદ દાખલ કરી હતી કે તેની દીકરીએ એક વર્ષ પૂર્વે લગ્ન કર્યાં હતાં.
તેનો પતિ સેન્ટ્રલ આફ્રિકામાં નોકરી કરી રહ્યો છે. દોઢ મહિના પૂર્વે જ ભાયંદરથી પત્નીને લઈને તે સેન્ટ્રલ આફ્રિકા ગયો હતો. સેન્ટ્રલ આફ્રિકામાં પહોંચ્યા પછી પતિએ તેની સાસુને જાણ કરી હતી કે તેઓ સારી રીતે પહોંચી ગયાં છે અને ચિંતા કરવાનું કોઈ કારણ નથી.
જોકે થોડા જ સમયમાં પતિએ રંગ બતાવવાનું શરૂ કર્યું. તેણે ત્રાસ આપવાનું શરૂ કર્યું. આ વાત પત્ની તેની માતાને નહીં જણાવે તે માટે તેણે પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દીધો અને પત્નીનો મોબાઈલ ફોન છીનવી લીધો. જોકે એક દિવસ તક મળતાં જ પત્નીએ ઘરનોકરાણીને મનાવીને તેના મોબાઈલ ફોન પરથી પોતાની માતાના મોબાઈલ પર વ્હોટ્સએપ કોલ લગાવ્યો. તેણે પતિ રોજ મારઝૂડ કરે છે અને ઘરની બહાર જવા દેતો નથી એ વિશે માતાને જાણ કરી. તે ભારતમાં પાછી આવવા માગે છે એમ પણ જણાવ્યું.
માતાએ તુરંત ભાયંદર પશ્ચિમ પોલીસ સ્ટેશનના ભરોસા સેલનો સંપર્ક કર્યો અને દીકરી પર કૌટુંબિક હિંસાચાર થતો હોવાથી તેનો છુટકારો કરવા માટે વિનંતી કરી.એપીઆઈ તેજશ્રી શિંદેએ આ પ્રકરણને ગંભીરતાથી લીધું અને વરિષ્ઠોને જાણ કરી. આ પછી સેન્ટ્રલ આફ્રિકન રિપલ્બિકમાં ભારતીય દૂતાવાસ સાથે પત્રવ્યહાર કરીને પીડિતાની માહિતી આપી. પીડિતાનો પતિ માનસિક અને શારીરિક ત્રાસ આપતો હોવાથી તેનો છુટકારો કરીને તેને ભારતમાં પાછી મોકલવા વિશે જાણ કરી.
ભારતીય દૂતાવાસ કામે લાગ્યું
ભારતીય દૂતાવાસ તુરંત કામે લાગ્યું હતું. પીડિતાનો પતિ જ્યાં કામ કરતો હતો તે કંપની સાથે સંપર્ક કરીને અને સ્થાનિક પોલીસની મદદથી પીડિતાનો છુટકારો કર્યો અને તેને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી. આ પછી જરૂરી ટેક્નિકલ કાર્યવાહી પૂરી કરીને 9 જૂને પીડિતાને ભારતમાં મોકલવામાં આવી.
તેજશ્રી શિંદે અને પીડિતાની માતા એરપોર્ટ પર પહોંચી. પીડિતા આવતાં જ તેને માતાને સોંપવામાં આવી. કૌટુંબિક હિંસાચાર અંતર્ગત ભારતીય મહિલાનો વિદેશમાંથી છુટકારો કરીને ભારતમાં લાવવાની સંભવિત રીતે આ પ્રથમ જ ઘટના છે. ભરોસા સેલે તુરંત પગલાં લેતાં અને ભારતીય દૂતાવાસ અને સ્થાનિક પોલીસના સહયોગથી પીડિતાનો નરકમાંથી છ દિવસમાં છુટકારો થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.