વરિષ્ઠ નાગરિકોને દેશવિદેશમાં પિકનિક ટુરને નામે છેતરપિંડી કરનારી ટોળકીનો ક્રાઈમ બ્રાન્ચની કાંદિવલી શાખાએ પર્દાફાશ કરીને કચ્છી સહિત બે જણની ધરપકડ કરી છે. આરોપીઓમાં થાણે પશ્ચિમમાં ચરાઈ ખાતે રહેતા હિરેન મણિલાલ સતરા અને મલાડ માલવણીમાં રહેતા જિજ્ઞેશ અશોક મકવાણાનો સમાવેશ થાય છે.
પ્રભારી પીઆઈ વિનાયક ચવ્હાણે જણાવ્યું હતું કે આ કેસના ફરિયાદી વરિષ્ઠ નાગરિકે જણાવ્યું કે જાહેરાત જોઈને તેણે પોપટભાઈ, રમેશભાઈ નામે વ્યક્તિઓનો ફોન પર સંપર્ક કર્યો હતો. તેમણે ક્લબ થકી ભારતમાં અને અન્ય દેશોમાં ટ્રિપ પર લઈ જવા માટે ઓનલાઈન પૈસા લીધા હતા.જોકે ફરિયાદીને ટ્રિપ પર લઈ ગયા નહોતા. આથી ફરિયાદીએ પૈસા પાછા માગ્યા હતા.
તે પછી નાણાં ઓનલાઈન ટ્રાન્સફર કરી દઈશું એમ કહીને વધુ પૈસા લઈને એકંદરે રૂ. 2.14 લાખની છેતરપિંડી કરી હતી. આથી તેમણે કસ્તુરબા માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તુરંત વિશેષ ટીમ બનાવી એક આરોપીને જનકલ્યણ નગર, માલવણી વિસ્તારમાંથી અને બીજાને ખારોડીથી ઝડપી લેવાયો હતો.
આરોપીઓની તલાશી લેતાં 4 મોબાઈલ ફોન, સિમકાર્ડ જપ્ત કરાયાં હતાં. આરોપીઓની પૂછપરછ કરતાં તેમણે આ રીતે જ અન્ય અનેક વરિષ્ઠ નાગરિકો સાથે છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે, જે અંગે વધુ તપાસ ચાલી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.