નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનસીજી)ના કમાંડો સુનિલ પ્રભાવત બિરાજદારની કાર મંત્રાલયમાં કોન્ટ્રાક્ટ પર લગાવીને આપું છું એમ કહીને છેતરપિંડી કરવા સંબંધે પોલીસે મહેશ શેષરાવ બોઈનવાડની ધરપકડ કરી છે. મલાડ પૂર્વના કુરાર વિલેજમાં શિવાજી નગર સ્થિત અષ્ટવિનાયક વેલફેર સોસાયટીમાં રહેતા આરોપીએ આ રીતે અનેક સાથે છેતરપિંડી કરી હોવાની શક્યતા છે, જેની પોલીસ વધુ તપાસ કરી રહી છે.
બિરાજદારની અર્ટિગા કાર હતી, જે તેનો ડ્રાઈવર અભિષેક સૂર્યવંશી ચલાવતો હતો. આરોપીએ પોતાની ઓળખ દિનેશ કદમ, આકાશ સાતપુતે તરીકે બતાવીને કાર મંત્રાલયમાં કોન્ટ્રાક્ટ પર લગાવી આપીશ એમ કહ્યું હતું. 30 ઓગસ્ટ, 2022થી 3 સપ્ટેમ્બર, 2022 દરમિયાન આરોપીએ વિશ્વાસ સંપાદન કરીને કાર લીધી હતી. જોકે તેણે છેતરપિંડી કરતાં જ ડ્રાઈવરે તેના માલિક બિરાજદારને જાણ કરી હતી, જે પછી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તે સમયથી આરોપી કાર સાથે ફરાર હતો.
આખરે પોલીસે તપાસ કરીને આરોપીને ઝડપી લીધો ત્યારે તેનું અસલી નામ મહેશ બોઈનવાડ હોવાનું બહાર આવ્યું હતું. આરોપીના સાગરીતની હવે શોધ ચલાવવામાં આવી રહી છે. તેણે આ રીતે અનેક સાથે છેતરપિંડી કરી હોવાની શંકા છે, જે અંગે વધુ તપાસ ચાલી રહી છે, એમ મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાકેશ શિંદેએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.