ધરપકડ:મુંબઈમાં ગેરકાયદે રહેતા ચાર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બનાવટી કાગળપત્રો દ્વારા ભારતીય પાસપોર્ટ બનાવ્યો

દેશમાં ગેરકાયદે રહેતા 4 બાંગ્લાદેશી નાગરિકોની સ્થાનિક પોલીસે વિવિધ કાર્યવાહીમાં ધરપકડ કરી હતી. આ ચારેયના નામ સોહેલ જલીલ શેખ, મહેબુબ અહમદ શેખ, મોહીન શાદત ખાન અને રિકન ઉત્તમકુમાર ચકમા છે. એમાંથી રિકને દિલ્હી પાસપોર્ટ ઓફિસમાંથી બનાવટી કાગળપત્રોની મદદથી એક ભારતીય પાસપોર્ટ મેળવીને વિદેશમાં જવાનો પ્રયત્ન કર્યાનું તપાસમાં જણાયું છે.

મુંબઈ શહેરમાં અનધિકૃત રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો વિરુદ્ધ મુંબઈ પોલીસે વિશેષ ઝુંબેશ શરૂ કરી છે. એમાં મહેબુબ શેખ અને મોહીન ખાનની ધરપકડ કરી હતી. આ બંને બાંગ્લાદેશી નાગરિક હોવાનું તપાસમાં જણાયું હતું. એમાં મહેબુબ જાન્યુઆરી 2016માં બાંગ્લાદેશથી ભારતમાં અને પછી મુંબઈ આવ્યો હતો. નળ જોડાણનું કામ કરતો મહેબુબ માઝગાવ પરિસરમાં રહેતો હતો. તેની પાસેથી પોલીસે ભારતીય અને બાંગ્લાદેશી ચલણ જપ્ત કર્યું હતું. મોહીન પાસેથી પોલીસે એક મોબાઈલ જપ્ત કર્યો છે.

એના મોબાઈલ પરથી મોહીન બાંગ્લાદેશમાં રહેતા કુટુંબીઓ સહિત સગાસંબંધીઓ અને મિત્રોના સંપર્કમાં હોવાનું જાહેર થયું હતું. એ અત્યારે મીરા રોડ, ભાઈંદર પરિસરમાં રહેતો હતો. બીજી એક કાર્યવાહીમાં રિકન ચકમા નામના બાંગ્લાદેશી નાગરિકની પોલીસે ધરપકડ કરી હતી. એ વિદેશ જવા માટે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવ્યો હતો. એના પાસપોર્ટની તપાસ કરતા એ બનાવટી હોવાનું નિષ્પન્ન થયું હતું. એણે બનાવટી કાગળપત્રો તૈયાર કરીને દિલ્હી પાસપોર્ટ ઓફિસમાંથી બનાવટી પાસપોર્ટ મેળવ્યો હતો. આ જ પાસપોર્ટ થકી એ વિદેશમાં નોકરી કરવા જઈ રહ્યો હતો. જો કે એ પહેલાં જ એને ઈમિગ્રેશન અધિકારીઓએ તાબામાં લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...