સફળતા:મુંબઈમાં બનાવટી ચલણી નોટો લાવનાર ચારની ધરપકડ, વીડિયો શેરિંગ પ્લેટફોર્મ પરથી શીખ્યા

મુંબઈ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નોટો માટે વપરાતાં કલર પ્રિન્ટર, ઉંચી ક્વોલિટીના બોન્ડપેપર, અનેક રંગની શાહી - કટિંગ મશીન જપ્ત કરવામાં આવ્યા

બનાવટી ભારતીય ચલણી નોટો છાપીને મુંબઈ લાવવા પ્રકરણે મુંબઈ પોલીસે ચાર જણની ધરપકડ કરી હતી. કર્ણાટકથી આવેલા આરોપીઓ ઈંટરનેટ પરના કેટલાક વીડિયો શેરિંગ પ્લેટફોર્મ પરથી બનાવટી નોટો છાપવાનું શીખ્યા હતા. આ આરોપીઓ પાસેથી કલર પ્રિન્ટર, ઉંચી ક્વોલિટીના બોન્ડપેપર, અનેક રંગની શાહી અને કટિંગ મશીન જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 68 હજાર રૂપિયાની બનાવટી નોટો જપ્ત કરી હતી. આરોપીઓએ અત્યાર સુધી થોડા લાખ રૂપિયાની બનાવટી નોટો ચલણમાં મૂકી હતી.

સોલાપુર અને પશ્ચિમ મહારાષ્ટ્રની બજારમાં મોટા પ્રમાણમાં બનાવટી નોટો ચલણમાં મૂકી હતી. એક દુકાનદારે બનાવટી નોટો ચલણમાં લાવવાના પ્રયત્ન બાબતે સાવચેત કર્યા બાદ પોલીસે એક આરોપી આનંદકુમારની દાદર ફૂલબજારમાંથી ધરપકડ કરી હતી. પોલીસને એની પાસેથી 1 હજાર 200 રૂપિયાની બનાવટી નોટો મળી. પૂછપરછમાં એણે જણાવ્યું કે પોતે કર્ણાટકમાં રહેતા શિવકુમાર શંકર નામના એક વ્યક્તિ પાસેથી બનાવટી નોટો મેળવી છે. એ પછી માહિતીની ખાતરી કરવા એક ટીમ કર્ણાટક રવાના કરવામાં આવી હતી.

મુંબઈ પોલીસે વધુ તપાસ કરી ત્યારે આરોપી કિરણ કાંબળે (24) કર્ણાટકના બિદર જિલ્લાના હુમનાબાદ ખાતે રહેતો હોવાની માહિતી મળી. ત્યાં પહોંચ્યા પછી કિરણ ભાડેથી રૂમ લઈને કામ કરતો હોવાનું જણાયું. કાંબળે કર્ણાટકમાં રોડ કોન્ટ્રેક્ટર તરીકે કામ કરતો અને એની પાસે સરકારી લાયસંસ પણ છે. કોવિડ મહામારીના કારણે એની પાસે કામ નહોતું. કેટલાક વીડિયો શેરિંગ પ્લેટફોર્મ પરથી બનાવટી નોટો છાપવાનું શીખ્યો. શિવકુમાર શંકર મારફત બનાવટી નોટો ચલણમાં મૂકી.

પોલીસે અન્ય આરોપી આકાશ તોડલગીની પણ ધરપકડ કરી હતી. એણે શિવકુમાર શંકર પાસેથી બનાવટી નોટો લઈને મુંબઈની બજારમાં ચલણમાં મૂકી હતી. એક લાખ રૂપિયાની બનાવટી નોટ માટે એણે હકીકતમાં ફક્ત 25 હજાર રૂપિયા ચુકવવા પડ્યા. કાંબળે 500 અને 2 હજાર રૂપિયાની નોટને બદલે ફક્ત 100 અને 200 રૂપિયાની નોટ છાપતો કારણ કે આ નોટો બજારમાં ખાસ તપાસવામાં આવતી નહોતી.

આરોપીની મોડસ ઓપરેન્ડી
આરોપી એક નોટ સ્કેન કરતો અને પછી એની કલર પ્રિન્ટઆઉટ એક્ઝિક્યુટિવ બોન્ડ પેપર પર લેતો. એમાં વચ્ચેના ભાગમાં એક લીલા રંગની ચમકતી રેખા નિશ્ચિત કરતો અને કટરની મદદથી ચલણી નોટના આકારમાં કાપતો. નોટ સાચી દેખાવા માટે એ ચોળી નાખવામાં આવતી. પોલીસના હાથમાં સપડાય નહીં એ માટે રાતના સમયે બનાવટી નોટો વાપરતા. આરોપીએ સ્થાનિક સાપ્તાહિક બજારમાં નોટો ચલણમાં મૂકવાની શરૂઆત કરી અને વિશ્વાસ બેઠા પછી કર્ણાટકની બહાર નોટ મોકલવાનું શરૂ કર્યું.

અન્ય સમાચારો પણ છે...