6 વિધાનસભ્યોની મુદત પૂરી થઈ હોવાથી 78 સભ્ય ધરાવતી મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં 21 સીટ ખાલી પડી છે. પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં સીટ ખાલી છે. એના લીધે સભાપતિ પદની ચૂંટણી ઠેલવામાં આવી છે. રાજ્યપાલ દ્વારા નિયુક્ત 12 સીટ બે વર્ષ કરતા વધુ સમયથી ખાલી છે. કોરોના, અન્ય પછાતવર્ગની અનામત, વોર્ડ રચના જેવા મુદ્દાઓ પર રાજ્યમાં મહાપાલિકા, નગરપાલિકા અને જિલ્લા પરિષદોની ચૂંટણી ઠેલાણી છે. નગરસેવકો ચૂંટાયા ન હોવાથી વિધાન પરિષદની 9 સ્થાનિક પ્રાધિકારી સંસ્થા મતદારસંઘની સીટ ખાલી થઈ છે.
નાંદેડ, સાંગલી-સાતારા, ભંડારા-ગોંદિયા, પુણે, યવતમાળ, જળગાવ સ્થાનિક પ્રાધિકારી મતદારસંઘની સીટ બે દિવસ પહેલાં ખાલી થઈ. એ પહેલાં થાણે, સોલાપુર, નગર એમ ત્રણ સીટ ખાલી થઈ હતી. સ્થાનિક પ્રાધિકારી મતદારસંઘમાં નગરસેવકો મતદાર હોય છે. મતદારસંઘના 75 ટકા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા કાર્યરતવાળી અથવા 75 ટકા મતદાર હોય તો જ ચૂંટણી લઈ શકાય છે એવો સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે. તેથી આ 9 મતદારસંઘમાં તરત ચૂંટણી થશે નહીં. વિધાન પરિષદમાં સ્થાનિક પ્રાધિકારી સંસ્થા મતદારસંઘમાંથી 22 વિધાનસભ્ય ચૂંટાઈ આવે છે. એમાંથી 9 સીટ અત્યારે ખાલી છે.
રાજ્યપાલ નિયુક્ત 12 સીટ માટે મહાવિકાસ આઘાડી સરકારે આપેલા નામની યાદી પર રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ નિર્ણય લીધો નહીં. રાજ્યપાલે બંધારણીય ફરજ વિલંબ વિના પાર પાડવી એવી સલાહ હાઈ કોર્ટે આપી હતી. છતાં રાજ્યપાલે કોઈ નિર્ણય લીધો નથી. મહાવિકાસ આઘાડીની સરકાર પડી ગઈ પણ બે વર્ષથી રાજ્યપાલે કોઈ નિર્ણય લીધો નથી. રાજ્યપાલને મંત્રીમંડળે ભલામણ કરેલા નામ ફગાવી દેવાનો અધિકાર હોય છે પણ રાજ્યપાલે કોઈ નિર્ણય લીધો નથી.
સભાપતિની ચૂંટણી બજેટ સત્રમાં થાય એવી શક્યતા : રામરાજે નાઈક નિંબાળકરની મુદત ગયા જુલાઈમાં પૂરી થઈ. ત્યારથી સભાપતિ પદ ખાલી છે. ચોમાસુ સત્રમાં સભાગૃહનું કામકાજ ઉપસભાપતિ નીલમ ગોર્હેની અધ્યક્ષતા હેઠળ પાર પડ્યું. સભાપતિ પદની ચૂંટણી ઝટ થાય એવો સત્તાધારીઓનો પ્રયત્ન છે. રાજ્યપાલ દ્વારા નિયુક્ત 12 સીટ પર નિયુક્તી થતી નથી ત્યાં સુધી સભાપતિ પદની ચૂંટણી સત્તાધારી જીતી શકતા નથી.
ગૃહમાં પક્ષ પ્રમાણે સંખ્યા
વિધાન પરિષદાં અત્યારે ભાજપના 22 સભ્ય છે તો મહાવિકાસ આઘાડીમાં શિવસેનાના 11, રાષ્ટ્રવાદી કોંગ્રેસના 9 અને કોંગ્રેસના 8 મળીને કુલ 28 સભ્ય છે. રાજ્યપાલ દ્વારા નિયુક્ત 12 સીટ પર સતાધારી પક્ષના સભ્યોની પસંદગી થાય ત્યારે જ ચૂંટણી લઈ શકાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.