તપાસ:મદરેસામાં શિક્ષકની મારઝૂડથી કંટાળી પાંચ બાળકો ભાગી ગયા

મુંબઈ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા પ્રવાસીની સતર્કતાને લીધે બાળકો રેલવે પોલીસના કબજામાં

કલવામાં મદરેસામાં ભણતા પાંચ સગીર બાળકો શિક્ષક દ્વારા મારઝૂડથી કંટાળીને પોતાના વતન બિહારમાં જવા માટે નીકળી ગયા હતા. કલવાથી કલ્યાણની દિશામાં ટ્રેનથી પ્રવાસ કરતી વખતે એક સતર્ક મહિલા પ્રવાસીએ આ માહિતી રેલવે પોલીસને આપી હતી. રેલવે પોલીસે ડોંબિવલી રેલવે સ્ટેશનમાં આ પાંચેય બાળકોને કબજામાં લીધા હતા. આ પછી તેમને ઉલ્હાસનગર બાળ સુધારગૃહમાં મોકલી અપાયા છે. ડોંબિવલી જીઆરપીએ આ સંબંધે મદરેસાના બે શિક્ષક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે, જે ગુનાની તપાસ હવે કલવા પોલીસને સોંપવામાં આવી છે.

1 ઓગસ્ટના રોજ એક ટ્રેનમાં પાંચ સગીર બાળકો બેઠેલા હતા. તેઓ બિહાર ખાતે પોતાના ગામ જવા નીકળ્યા હતા. જોકે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનાર એક મહિલાએ આ બાળકો વચ્ચેની ચર્ચા સાંભળી હતી. તે પરથી બાળકો સાથે કોઈક ગેરરીતિ થઈ હોવાનું જણાયું હતું. આથી મહિલાએ તુરંત રેલવે પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને જાણ કરી હતી. ડોંબિવલી જીઆરપીએ તે પછી આ પાંચેય બાળકોને તુરંત ડોંબિવલી રેલવે સ્ટેશન પર ઉતારી મૂક્યા હતા.

પોલીસે પૂછપરછ કરતાં આ બાળકો બિહારના હોઈ ફરી વતન જવા નીકળ્યા હતા. તેમના કુટુંબે ભણવા માટે તેમને કલવાની મદરેસામાં મૂક્યા હતા. જોકે તે મદરેસામાં શિક્ષકો દ્વારા તેમની મારઝૂડ કરવામાં આવતી હતી. આથી બાળકો ત્યાંથી ભાગી ગયા હતા. બાળકોને ચાઈલ્ડ વેલફેર કમિટી સામે હાજર કરાયા હતા. રેલવે પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 324 અને બાળ હક કાયદાની કલમ 5 અંતર્ગત સંબંધિત બે શિક્ષકો સામે ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...