ભાસ્કર વિશેષ:વંદે ભારત એક્સપ્રેસનું પ્રથમ પરીક્ષણ પૂર્ણ થયું

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈ -અમદાવાદ વચ્ચેનું અંતર 130ના બદલે 105 કિમીની ઝડપે 5 કલાકમાં કાપ્યું

મેક ઈન ઈંડિયા અંતર્ગત તૈયાર કરવામાં આવેલી વંદે ભારત પશ્ચિમ રેલવેમાં મુંબઈ સેંટ્રલથી અમદાવાદ વચ્ચે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. કલાકના 130 કિલોમીટરની સ્પીડથી પરીક્ષણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પણ પરીક્ષણ દરમિયાન સરેરાશ સ્પીડ કલાકના 105 કિલોમીટર હતી. ટૂંક સમયમાં આ ટ્રેન પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે. આ ટ્રેનના કારણે મુંબઈથી અમદાવાદ પાંચ કલાકમાં પહોંચવું શક્ય થશે.

વંદે ભારત એક્સપ્રેસના પરીક્ષણમાં આ ટ્રેન અમદાવાદથી સવારના 7.06 કલાકે મુંબઈ સેંટ્રલ જવા રવાના થઈ હતી. આ ટ્રેને 492 કિલોમીટરનું અંતર 5 કલાક 10 મિનિટમાં પાર કર્યું. એ સમયે સરેરાશ સ્પીડ કલાકના 95 કિલોમીટર હતી. એ પછી મુંબઈ સેંટ્રલથી આ ટ્રેન બપોરે 1.10 કલાકે અમદાવાદ જવા રવાના થઈ હતી. અમદાવાદ સ્ટેશનમાં સાંજે 5.55 કલાકે ટ્રેન પહોંચી હતી. આ દરમિયાન ટ્રેનની સરેરાશ સ્પીડ કલાકના 105 કિલોમીટર હતી. પોણા પાંચ કલાકમાં આ ટ્રેન અમદાવાદ પહોંચી હતી. અત્યારે મુંબઈથી અમદાવાદ પ્રવાસ માટે લગભગ 6 કલાકનો સમય લાગે છે. જો કે આ ટ્રેને સરેરાશ 5 કલાકમાં આ અંતર કાપ્યું હતું.

મુંબઈ-અમદાવાદ રૂટ પર ટ્રેનથી સરેરાશ છ કલાક પ્રવાસ માટે લાગે છે. વંદે ભારત એક્સપ્રેસથી પરીક્ષણ દરમિયાન સરેરાશ 5 કલાકમાં આ અંતર કાપવામાં આવ્યું. આ ટ્રેન નિયમિત રીતે શરૂ થયા પછી એના સ્ટોપેજનો પણ વિચાર કરવામાં આવશે. તેથી પ્રવાસનો થોડો સમય વધશે. આ બાબતે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી. આ ટ્રેન ટૂંક સમયમાં શરૂ થશે એમ પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમીત ઠાકુરે જણાવ્યું હતું.

વંદે ભારતની વિશેષતાઓ
અત્યારે ચંડીગઢ, નાગદા રૂટ પર પણ વંદે ભારત એક્સપ્રેસનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ ટ્રેન કલાકના 180 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. આ ટ્રેનની એસી સિસ્ટમમાં અલ્ટ્રા વાયોલેટ ફોટોકેટાલેક્ટીક એર પ્યોરીફાયર લગાડવામાં આવ્યું હોવાથી ધુળ, જંતુઓનો નાશ થવામાં મદદ થશે. વંદે ભારત એક્સપ્રેસના ડબ્બા ચેન્નઈના રેલવે કારખાનામાં તૈયાર કરવામાં આવે છે. લગભગ 400 એસી વંદે ભારત એક્સપ્રેસ તૈયાર કરવામાં આવશે. જીપીએસ આધારિત ઓડિયો વિઝ્યુઅલ પ્રવાસી માહિતી સિસ્ટમથી આ ડબ્બા સજ્જ હશે. દરેક વંદે ભારત એક્સપ્રેસમાં 16 એસી ડબ્બા હશે. એક ટ્રેનની પ્રવાસી ક્ષમતા 1 હજાર 128 છે. એમાં આરામદાયક સીટ છે. અત્યારે નવી દિલ્હી-વારાણસી અને નવી દિલ્હી-કટરા રૂટ પર વંદે ભારત દોડે છે.

અન્ય સમાચારો પણ છે...