બાર વર્ષ પૂર્વે વીજળીના થાંભલાના જીવંત વાયર સાથે સંપર્કમાં આવતાં બંને હાથ ગુમાવનારા રાજસ્થાનના અજમેરના રહેવાસી પ્રેમા રામ (33 વર્ષ) પર પરેલની ગ્લોબલ હોસ્પિટલ્સમાં એશિયાનું સૌપ્રથમ બંને સંપૂર્ણ હાથોનું ટ્રાન્સપ્લાન્ટ સફળતાથી પાર પડ્યું છે. 16 કલાક સુધી સર્જરી ચાલી હતી. આ સાથે દર્દીમા સ્વતંત્ર જીવન જીવવાની આશા જાગી છે.
ખભા પાસેથી બંને હાથોનું સાગમટે ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. આ ઈજાઓને સંપૂર્ણ સાજી થતાં અંદાજે બે વર્ષ લાગશે, જે પછી તે મોટા ભાગનાં કામો જાતે કરી શકશે, એમ પ્લાસ્ટિક, હેન્ડ એન્ડ રિકન્સ્ટ્રકિટવ માઈક્રોસર્જરી એન્ડ ટ્રાન્સપ્લાન્ટ સર્જરીના વિભાગ પ્રમુખ ડો. નિલેશ જી સતભાઈએ જણાવ્યું હતું.દુર્ઘટના પછી પ્રેમાને અજમેર અને જયપુરની હોસ્પિટલમાં લઈ જવાયો હતો, પરંતુ હાથ કાપવાની સલાહ અપાઈ હતી. આખરે બંને હાથને ખભાના સ્તરેથી કાપવા પડ્યા. આ પછી કૃત્રિમ હાથ અને પ્રોસ્થેસિસ આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પણ કામ આવ્યું નહીં.
ભાઈઓ અને પરિવારજનો રોજની પ્રવૃત્તિઓ કરવામાં તેને મદદ કરતા હતા. મોટા ભાગના કેસમાં હાથ કોણીની નીચે કાપવો પડે છે, જેનું ટ્રાન્સપ્લાન્ટ ખભાથી હાથ જોડવાની તુલનામાં આસાન હોય છે. ખભાથી હાથ જોડવામાં વધુ પડતી ધમનીઓ સંકળાયેલી હોવાથી પડકારજનક અને ગંભીર પણ છે. જોકે આ કિસ્સામાં અમે સફળ થયા છે. સદનસીબે દાતા પરિવાર તેમના મૃતક સ્વજનના હાથ આપવા તૈયાર થયા અને પ્રેમા સાથે તે મેચ થતાં કામ થયું, એમ તેમણે જણાવ્યું હતું.
પ્રેમાએ ઓક્ટોબર 2022માં નોંધણી કરાવી હતી, જે પછી 9 ફેબ્રુઆરીએ સર્જરી કરાઈ અને 9 માર્ચે તેને રજા અપાઈ હતી. દુમિયામાં આવા 200 કેસ જ છે. પ્રેમાના પરિવારે યુરોપમાં ટ્રાન્સપ્લાન્ટ માટે પૂછપરછ કરી હતી, પરંતુ ત્યાં ખર્ચ વધુ છે. અહીં રૂ. 20 લાખથી રૂ. 25 લાખમાં કામ થઈ ગયું છે, જ્યારે વિદેશમાં આનાથી દસ ગણા વધુ થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.