મુશ્કેલી:RTO દ્વારા વાહનોના ટેસ્ટ ટ્રેક માટે જગ્યાની શોધખોળ

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈમાં 2 લાખ કરતા વધુ રિક્ષા, 44 હજાર ટેક્સી

મુંબઈમાં વાહનોની સંખ્યા ઘણી વધી હોવાથી પરિવહન ખાતાએ જુદી જુદી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. 31 માર્ચ 2022ના આંકડાઓ અનુસાર મુંબઈમાં 2 લાખ 33 હજાર 325 ઓટોરિક્ષા, 44 હજાર 171 મીટરવાળી ટેક્સી અને 3 હજાર 86 સ્કૂલબસ ઉપરાંત બીજા વાહન મળીને કુલ 42 લાખ 81 હજાર 251 વાહન થયા છે. આ બધા વાહનને દર વર્ષે પાસીંગ અને ફિટનેસ સર્ટિફિકેટ આપવા માટે ટેસ્ટ ટ્રેકની સખત જરૂર છે. પણ હાઈ કોર્ટના આદેશ પ્રમાણે યોગ્ય આદર્શ ટેસ્ટ ટ્રેક ન હોવાથી પરિવહન વિભાગ જગ્યાની શોધખોળ કરી રહ્યું છે.

મુંબઈ હાઈ કોર્ટે ટેસ્ટિંગ ટ્રેક માટે 250 મીટર લાંબો ટ્રેક તૈયાર કરવા જણાવ્યું છે. મુંબઈમાં તારદેવ (મધ્ય), વડાલા (પૂર્વ), અંધેરી (પશ્ચિમ) અને બોરીવલી એમ ચાર મુખ્ય આરટીઓ છે. એમાંથી ફક્ત તારદેવ આરટીઓને ટેસ્ટ ટ્રેક બાંધવામાં સફળતા મળી છે. લોકડાઉન દરમિયાન આ કામ પૂરું થયું હતું અને એનો ઉપયોગ પણ શરૂ થયો હતો. પણ વાહનોની સૌથી વધારે નોંધણીવાળા વડાલા આરટીઓ પાસે જગ્યા ન હોવાથી મુશ્કેલી ઊભી થઈ છે.

વાહનોને ફિટનેસ સર્ટિફિકેટ સમયસર મળતું ન હોવાથી આ વાહનો જોખમકારક રીતે રસ્તા પર દોડી રહ્યા છે. એનો અકસ્માત થાય તો નાગરિકોનો જીવ જોખમમાં મૂકાઈ શકે છે. તેથી પરિવહન વિભાગે બધે ટેસ્ટ શરૂ કરી છે. રાજ્યમાં લગભગ 50 આરટીઓ છે પણ કોર્ટના આદેશ પ્રમાણે ધોરણ જાળવી શકાય એવી જગ્યાની અછત છે.

અન્ય સમાચારો પણ છે...