વિદાય:23 કલાકની શોભાયાત્રા બાદ લાલબાગચા રાજાનું વિસર્જન

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજાને મશીનવાળા તરાપાની મદદથી ચોપાટીના પાણીમાં વિદાય અપાઈ

કોરોનાના બે વર્ષના પ્રતિબંધ પછી આ વખતે ગણેશોત્સવ ધામધૂમથી ઉજવાયો. છેલ્લા દસ દિવસ ગણેશભક્તોનો ઉત્સાહ ટોચે હતો. માનતા પૂરી કરનારા ગણપતિ તરીકે ઓળખાતા લાલબાગચા રાજાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. સજળ નયને રાજાનું વિસર્જન પાર પડ્યું હતું. 23 કલાકની ધામધૂમથી યાત્રા બાદ લાલબાગચા રાજાનું ચોપાટીના દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

સમુદ્રની ઉછળતી લહેરો વચ્ચે બોટ દ્વારા લાલબાગના રાજાને વિદાય આપવામાં આવી હતી. ખાસ સજાવટ કરવામાં આવેલા તરાપા પરથી લાલબાગના રાજાની મૂર્તિ સમુદ્રમાં રવાના થઈ હતી. ઊંડા પાણીમાં બાપ્પાને વિદાય આપવામાં આવી. 10 દિવસ માટે ઘરમાં વાતાવરણ પ્રફુલ્લિત કરનાર, ઘેરઘેર ખુશીઓ લાવનારા ગણપતિ બાપ્પા પોતાના ગામ જવા નીકળ્યા. એ સમયે ભાવિકો ઘણાં ભાવનાત્મક થયા હતા. આગામી વર્ષે ઝટ આવવાનું આશ્વાસન આપતા અને પોતાના બાપ્પાનું સુંદર રૂપ આંખોમાં ભરીને લાલબાગચા રાજાને વિદાય આપવામાં આવી હતી.

દર વર્ષે લાલબાગના રાજાના દર્શન માટે સેલિબ્રિટિઓથી લઈને નેતાઓ મોટા પ્રમાણમાં હાજરી આપે છે. શનિવારે સવારના લગભગ 6.30ના સુમારે લાલબાગચા રાજા ગિરગાવ ચોપાટી પહોંચ્યા હતા. એ સમયે પોતાના લાડલા ગણપતિ બાપ્પાને વિદાય આપવા ચોપાટી પર હકડેઠઠ મેદની જમા થઈ હતી. મશીનવાળા તરાપાની મદદથી લાલબાગચા રાજાને ઊંડા સમુદ્રમાં વિદાય આપવામાં આવી હતી.

મુંબઈમાં સાત દિવસમાં 1.93 લાખ ગણેશમૂર્તિઓનું વિસર્જન
કોરોનાને લઈને બે વર્ષથી લાગુ નિયંત્રણો ઉઠાવી લેવાતાં આ વર્ષે મુંબઈમાં વધુ ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કુલ 1,93,062 ગણેશમૂર્તિઓનું વિવિધ ચોપાટીઓ પર વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં સાર્વજનિક, ઘરગથ્થુ અને ગૌરી ગણપત્નો સમાવેશ થાય છે.દોઢ દિવસની 60,557, પાંચ દિવસની 31,406, 6 દિવસની 48,040, 7 દિવસની 14,845 અને 19 દિવસની 38,214 ગણેશમૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. મુંબઈ મહાપાલિકા દ્વારા આ વર્ષે કૃત્રિમ તળાવોની પણ સજ્જડ વ્યવસ્થા કરવામાં આવી હતી.

જોકે ગત વર્ષની તુલનામાં આ વર્ષે કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરવા પર નાગરિકોએ ઓછો ભાર આપ્યો હતો.10 દિવસમાં કુલ 66,127 ગણેશમૂર્તિઓનું કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં દોઢ દિવસની 22,596, 5 દિવસની 11,979, 6 દિવસની 17,626, 7 દિવસની 4175, 10 દિવસની 9751 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે.

ગયા વર્ષે નિયંત્રણો વચ્ચે કૃત્રિમ તળાવોમાં દોઢ દિવસની 24,571, 5 દિવસની 34,308, 7 દિવસની 9771, 10 દિવસની 13,411 મૂર્તિઓ મળીને 82,061 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.અન્ય 1,65,040 ગણેશમૂર્તિઓનું વિવિધ ચોપાટીઓમાં વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં દોઢ દિવસની 48,716, 5 દિવસની 66,333, 7 દિવસની 15,404 અને 10 દિવસની 34,586 ગણેશમૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...