રાજ્યમાં તાપમાનમાં સતત ઉતારચઢાવ થઈ રહ્યો છે. અમુક ઠેકાણે ઠંડીનો કડાકો બોલાઈ રહ્યો છે તો અમુક ઠેકાણે વાદળિયું વાતાવરણ છે. અમુક ઠેકાણે વરસાદે હાજરી નોંધાવી છે. રાજ્યમાં હાલ વરસાદ અને ઠંડીની જાણે રમત ચાલી રહી છે. દરમિયાન ઉત્તર મહારાષ્ટ્ર સહિત ઉત્તર મરાઠવાડામાં ઠંડીનો કડાકો વધ્યો છે. મુંબઈમાં પણ તાપમાનમાં ઘટાડો થવાથી ઠંડી વધી છે. વિદર્ભમાં અમુક ઠેકાણે વરસાદની હાજરી નોંધાવી છે. હવામાન વિભાગે આપેલા અંદાજ અનુસાર આગામી બે દિવસ રાજ્યમાં હલકા વરસાદની શક્યતા છે.
રાજ્યમાં અમુક ઠેકાણે ઠંડીનું જોર વધ્યું છે. તેમાં ઉત્તર મહારાષ્ટ્રમાં નાશિક, જલગામ, ધુળે ખાતે પારો નીચે આવ્યો છે. ઠંડીનું જોર વધવાથી ઠેકઠેકાણે તાપણા પ્રગટાવવાનું શરૂ થયું છે. ગરમ કપડાં બહાર આવ્યાં છે. સવારે મોર્નિંગ વોક અને જોગિંગ પર નીકળનારા અને સ્વિમિંગમાં જનારની સંખ્યા ઓછી થઈ છે. બીજી બાજુ મરાઠવાડામાં પણ ઠંડક વધી છે. મુંબઈમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રી પર આવ્યું છે. આથી મુંબઈમાં સખત ઠંડી મહેસૂસ થવા લાગી છે. ઠંડી હવાનું સ્થળ માનવામાં આવતા માથેરાનનું લઘુતમ તાપમાન 18 ડિગ્રી છે. એટલે કે, મુંબઈમાં છેલ્લા બે દિવસથી માથેરાન કરતાં પણ વધુ ઠંડી વધી છે.
જલગામ ઉચ્ચ તાપમાન માટે પ્રસિદ્ધ છે. જોકે છેલ્લા બે દિવસમાં તાપમાનમાં જબરદસ્ત ઘટાડો થયો છે. તાપમાનનો પારો 9 ડિગ્રી પર આવ્યો છે. જલગામ જિલ્લામાં તેને લીધે ઠંડીની લહેર ફેલાઈ છે. ઉત્તર મહારાષ્ટ્ર સહિત ઉત્તર મરાઠવાડામાં પણ ઠંડક વધી છે. આગામી બે દિવસ રાજ્યમાં હલકો વરસાદ પડવાની આગેવાની હવામાન વિભાગે કરી છે.મહારાષ્ટ્રના ખાનદેશ, નાશિક, નગર, પુણે, ઔરંગાબાદ, જાલના, બુલઢાણા, અકોલા, અમરાવતી, વર્ધા, નાગપુર, ભંડારા અને ગોંદિયામાં વાદળિયું વાતાવરણ સહિત વરસાદનાં છાંટા અમુક ઠેકાણે પડવાની આગેવાની વેધશાળાએ કરી છે.
મુંબઈ સહિત કોંકણને બાદ કરતાં બાકી મહારાષ્ટ્રમાં લઘુતમ તાપમાનમાં સરેરાશ કરતાં ત્રણથી ચાર ડિગ્રી વધારો થઈને ઠંડીનું પ્રમાણ ઓછું જણાઈ રહ્યું છે. મુંબઈ સાથે કોંકણમાં જોકે વાતાવરણમાં વિશેષ બદલાવ જણાયો નહીં હોઈ ઠંડીનો પ્રભાવ કાયમ છે. દરમિયાન અમરાવતી અને બુલઢાણા જિલ્લામાં કમોસમી વરસાદે હાજરી નોંધાવી છે. અહીં રબી પાકને આ વરસાદનો ફટકો પડ્યો છે.
ડિસેમ્બરમાં વિક્રમી ગરમી
છેલ્લાં 122 વર્ષમાં 2022 વર્ષનો ડિસેમ્બર મહિનો સૌથી ગરમ રહ્યો છે. સરેરાશ તાપમાનમાં 1 ડિગ્રી વધુ તાપમાનની નોંધ થઈ છે. સરેરાશ તાપમાન 21.49 ડિગ્રી રહ્યું છે. આ સાથે ડિસેમ્બરમાં લઘુતમ અને મહતચ્તમ તાપમાન પણ સર્વોચ્ચ રહ્યાની નોંધ થઈ છે. ભારતમાં વૈશ્વિક તાપમાનમાં વધારાના ચટકા પડી રહ્યા હોવાનું આંકડાવારી પરથી જણાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.