સમસ્યા:સરકાર તૂટી પડી છતાં નેતાઓનો સરકારી બંગલાનો મોહ છૂટતો નથી

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિંદે જૂથ સહિતના માજી મંત્રી બંગલા છોડવા તૈયાર નથી

રાજ્યમાં શિવસેનામાં મોટો બળવો થયા પછી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સરકાર તૂટી પડી છતાં હજુ પણ માજી મંત્રીઓને સરકારી બંગલો છોડવાનું મન થતું નથી. શિંદે જૂથના સહિત અનેક મંત્રીઓએ હજુ પણ તેમના સરકારી બંગલો છોડ્યા નથી. રાજ્યમાં શિંદે- ફડણવીસ સરકાર સ્થાપન થયાને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે. જોકે હજુ મંત્રીમંડળ વિસ્તરણનું ઠેકાણું નથી. બીજી બાજુ અમુક નેતાઓ સરકારી બંગલો છોડવા તૈયાર નથી. આમાં ઉદય સામંત, સંદીપાન ભુમરે અને દાદા ભુસે સહિત શિંદે જૂથના માજી મંત્રીઓ તો હજુ પણ તેમના બંગલો પર પત્ર પરિષદ લઈ રહ્યા છે.

જાહેર બાંધકામ વિભાગના અખત્યારમાં આવતા કુલ 40 સરકારી બંગલામાંથી ફક્ત 18 બંગલા ખાલી કરવામાં આવ્યા છે, જ્યારે 13 માજી મંત્રી અને એક માજી અધિકારીએ હજુ પણ બંગલો છોડ્યો નથી. રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ માટે મંત્રાલય પરિસરમાં મલબાર હિલ અને આમદાર નિવાસમાં બંગલોમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે. આથી પોતાના મનગમતા બંગલો માટે મંત્રીઓ દ્વારા જોરદાર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

ખાલી નહીં થયેલા બંગલોમાં શિંદે જૂથના માજી મંત્રી ઉદય સામંત, ગુલાબરાવ પાટીલ, દાદા ભુસેનો સમાવેશ થાય છે, જ્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસના ધનંજય મુંડે, છગન ભુજબળ, જયંત પાટીલ, જિતેન્દ્ર આવ્હાડે પણ હજુ તેમના બંગલો છોડ્યાનથી. આવ્હાડે ઠાકરે સરકાર પડ્યા પછી સરકારી નિવાસસ્થાનના બધા કામગારોના આભાર માનીને વિદાય સમારંભ પણ આયોજિત કર્યો હતો. જોકે અધિકૃત રીતે તેમણે હજુ સુધી પોતાનો બંગલો છોડ્યો નથી.

આ મંત્રીઓએ બંગલો છોડ્યો
ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય મંત્રીપદ પરથી રાજીનામું આપવાની આગલી રાત્રે જ વર્ષા બંગલો ખાલી કરી દીધો હતો. તે પછી આદિત્ય ઠાકરે, યશોમતીઠાકુર, સુનીલ કેદાર, બાળાસાહેબ થોરાત, રાજેન્દ્ર શિંગણે, રાજેશ ટોપે, અનિલ દેશમુખ, નવાબ મલિક, સુભાષ દેસાઈ, નીતિન રાઉત, અસલમ શેખ, દિલીપ વલસે પાટીલ, કે સી પડવી, અમિત દેશમુખ, વર્ષા ગાયકવાડ, અનિલ પરબ, સંજય રાઠોડે તેમના સરકારી બંગલો ખાલી કરી દીધી છે.

આ નેતાઓનો હજુ પણ અડિંગો
બીજી બાજુ સરકારી બંગલો નહીં છોડનાર નેતાઓમાં ધનંજય મુંડે, છગન ભુજબળ, જયંત પાટીલ, અશોક ચવ્હાણ, જિતેન્દ્ર આવ્હાડ, દાદાજી ભુસે, વિજય વડેટ્ટીવાર, ઉદય સામંત, હસન મુશરીફ, ગુલાબરાવ પાટીલ, સંદિપાન ભુમરે, શ્યામરાવ પાટીલ, નાના પટોલે, સીતારામ કુંટેએ હજુ તેમના બંગલો છોડ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...