ગુરુવારથી આરંભ કરતાં ટુવ્હીલર પર પ્રવાસ કરનારા પિલિયન રાઈડર અથવા સહપ્રવાસી હેલ્મેટ વિના પકડાશે તો ડ્રાઈવર સામે કડક પગલાં લેવા મુંબઈમાં કમસેકમ 50 ટ્રાફિક પોલીસ ચોકીઓ સુસજ્જ બનશે. હાલમાં જ ટ્રાફિક પોલીસે સૂચના જારી કરીને રાઈડર સાથે પિલિયન રાઈડરને પણ હેલ્મેટ પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. જો નિયમભંગ કરશે તો કઠોર કાર્યવાહી થશે.
ગુરુવારથી ટુવ્હીલરના રાઈડર અને પિલિયન રાઈડર હેલ્મેટ વિના પકડાયા તો કાર્યવાહી કરવામાં આવશે. અમે તેમનાં લાઈસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરીશું અને રૂ. 500નો દંડ કરીશું. ઉલ્લંઘન કરનાર સામે કઠોર પગલાં લેવા માટે સર્વ 50 ટ્રાફિક પોલીસ ચોકીઓને સૂચના આપવામાં આવી છે, એમ ટ્રાફિક વિભાગના ડીસીપી રાજતિલક રોશને જણાવ્યું હતું.
ઉપરાંત ટ્રાફિક પોલીસ ચલાન જારી કરશે અને લોકોને કાયદાનું પાલન કરવા જણાવશે. મુંબઈના પોલીસ કમિશનર સંજય પાંડેએ સોમવારે મુંબઈગરાને હેલ્મેટ સંબંધી નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો હતો. જો તેનું પાલન નહીં કરે તો કઠોર પગલાં લેવાની ચીમકી આપી હતી.મુંબઈમાં ટુવ્હીલર સવાર અને એની સાથે પાછળ બેઠેલા પ્રવાસી માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવી છે.
નાગરિકોની સુરક્ષા માટે ટુવ્હીલર ચાલક અને પાછળ બેઠેલા પ્રવાસી માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવી હોવાનો પરિપત્ર પરિવહન મુખ્યાલયના પોલીસ ઉપાયુક્ત રાજતિલક રોશને 25 મેના જારી કર્યો હતો. 15 દિવસ પછી કાર્યવાહી શરૂ કરવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું. કોઈ ટુવ્હીલર ચાલક અને પાછળ બેઠેલો સવાર હેલ્મેટ વિના જોવા મળશે તો બંને પર દંડાત્મક કાર્યવાહી અને ત્રણ મહિના માટે ડ્રાઈવિંગ લાયસંસ સસપેન્ડ કરવામાં આવશે એમ એમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.
ભાજપની આંદોલન કરવાની ચીમકી
દરમિયાન ભાજપના મુંબઈ પ્રભારી વિધાનસભ્ય અતુલ ભાતખળકરે ગૃહમંત્રી દિલીપ વલસે- પાટીલને પત્ર લખીને આ નિર્ણય અન્યાયકારી હોઈ તે રદ કરવાની માગણી કરી છે. જો રદ નહીં કરે તો રસ્તા પર ઊતરીને આંદોલન કરવાની ચીમકી પણ તેમણે આપી છે. મુંબઈગરા આ નિર્ણયથી ગુસ્સામાં છે.
આ નિર્ણય પાડાને વાંકે પખાલીને ડામ જેવો છે. ટુવ્હીલર પર અધવચ્ચે જ કોઈકને બેસાડવામાં આવે તો સહપ્રવાસી હેલ્મેટ ક્યાંથી લાવશે? ટુવ્હીલર પર બે હેલ્મેટ રાખવાની જગ્યા ક્યાં હોય છે? અનેક ટુવ્હીલર સવાર ત્રણ સવાર અથવા કુટુંબીઓને પણ બેસાડીને લઈ જાય છે તેમની સામે પોલીસ શું પગલાં લેશે, એવો પ્રશ્ન પણ તેમણે પૂછ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.