વીજ ચોરો પર કાર્યવાહી:1 માસમાં 11 કરોડની વીજચોરીનો મહાવિતરણ દ્વારા પર્દાફાશ કરાયો

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બીજી અનિયમિતતાવાળા 539 પ્રકરણમાં 13 કરોડથી વધારેના બિલ આપ્યા

રાજ્યમાં વીજ ચોરીનું પ્રમાણ ઓછું કરવા મહાવિતરણ તરફથી વિવિધ સ્તરે પ્રયત્ન કરવામાં આવે છે. મહાવિતરણે ગયા મહિને વીજ ચોરો પર કરેલી કાર્યવાહીમાં મોટી સફળતા મળી હતી. ડિસેમ્બર 2022માં મહાવિતરણે કરેલી કાર્યવાહીમાં 11 કરોડ રૂપિયાની વીજ ચોરીનો પર્દાફાશ થયો હતો. મહાવિતરણના સુરક્ષા અને અમલબજાવણી વિભાગે કરેલી કાર્યવાહીમાં રાજ્યમાં વીજ ચોરીના 879 પ્રકરણ જાહેર થયા એવી માહિતી મહાવિતરણના અધ્યક્ષ અને વ્યવસ્થાપકીય સંચાલક વિજય સિંઘલે આપી હતી.

મહાવિતરણના સુરક્ષા અને અમલબજાવણી વિભાગની 63 વિજિલન્સ ટીમે કાર્યકારી સંચાલક પ્રમોદ શેવાળેના નેતૃત્વ હેઠળ આ કામગિરી બજાવી હતી. મહાવિતરણની વિજિલન્સ ટીમે વીજ ચોરી પકડવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યાની માહિતી મહાવિતરણે આપી હતી. વીજ ચોરી ઉપરાંત બીજી અનિયમિતતાવાળા કુલ 539 પ્રકરણમાં 13 કરોડ 67 લાખ 60 હજાર રૂપિયાના બિલ આપવામાં આવ્યા. વીજ ચોરી પકડાયેલા મોટા ભાગના પ્રકરણમાં કમર્શિયલ અને ઈંડસ્ટ્રીયલ ગ્રાહકોના હોવાની માહિતી પણ આપવામાં આવી હતી.

કયા વિભાગમાં કેટલી વીજ ચોરી?
ડિસેમ્બર મહિનામાં સુરક્ષા અને અમલબજાવણી વિભાગે કરેલી કાર્યવાહીમાં જાહેર થયેલા 879 પ્રકરણમાં 11 કરોડ 69 લાખ રૂપિયાની વીજ ચોરીમાંથી કોકણ પરિક્ષેત્રમાં 4 કરોડ 40 લાખ રૂપિયાના 249 પ્રકરણની નોંધ થઈ. પુણે પરિક્ષેત્રમાં 3 કરોડ 68 લાખ રૂપિયાના 135 પ્રકરણ જાહેર થયા. નાગપુર પરિક્ષેત્રમાં 244 પ્રકરણમાં 1 કરોડ 72 લાખ રૂપિયાની વીજ ચોરી પકડવામાં આવી હતી. ઔરંગાબાદ પરિક્ષેત્રમાં 1 કરોડ 88 લાખ રૂપિયાના 251 વીજ ચોરીના પ્રકરણ જાહેર થયા.

9 મહિનામાં 6801 પ્રકરણ
સુરક્ષા અને અમલબજાવણી વિભાગે ચાલુ આર્થિક વર્ષમાં એપ્રિલથી ડિસેમ્બર એમ 9 મહિનામાં વિજિલન્સ ટીમ દ્વારા કુલ 6 હજાર 801 પ્રકરણનો પર્દાફાશ કર્યો હતો. એમાં 86 કરોડ 10 લાખ રૂપિયાની વીજ ચોરી પકડવામાં આવી હતી. ઉપરાંત બીજી અનિયમિતતાવાળા કુલ 6 હજાર 636 પ્રકરણમાં 167 કરોડ 11 લાખ રૂપિયાના બિલ આપવામાં આવ્યા હતા.

મહાવિતરણના અધ્યક્ષ અને વ્યવસ્થાપકીય સંચાલક વિજય સિંઘલે કંપનીના તમામ ચીફ એન્જિનિયરને વીજ ચોરી રોકવા માટે આક્રમકતાથી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. કંપનીની વિજિલન્સ ટીમ ઉપરાંત સ્થાનિક કર્મચારીએએ સજાગતાથી વીજ ચોરીના પ્રકરણ પ્રકાશમાં લાવવા અને તેના પર કાર્યવાહી કરવી એવો આદેશ આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...