તપાસ:પવારનું નામ ચાર્જશીટમાં દર્શાવીને ઈડી ડર પેદા કરવા માગતી હતીઃ કોર્ટ

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મ્હાડા અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા છતાં કોઈની સામે કાર્યવાહી કેમ નહીં

પતરા ચાલ રિડેવલપમેન્ટ ગોટાળા સંબંધી મની લોન્ડરિંગ કેસમાં ઉદ્ધવ જૂથના સાંસદ સંજય રાઉતને પીએમએલએ કોર્ટે જામીન આપતાં 122 પાનાંનો આદેશ જારી કર્યો છે, જેમાંના અનેક ચોંકાવનારા મુદ્દાઓ હવે બહાર આવી રહ્યા છે. આ આદેશમાં પીએમએલએ કોર્ટે ઈડીની તપાસ સામે ગંભીર પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે. ઈડીએ અગાઉ દાખલ કરેલી ચાર્જશીટમાં તત્કાલીન મુખ્ય મંત્રી અને કેન્દ્રીય કૃષિ મંત્રીઓનાં નામ ઉમેરીને ડર પેદા કરવાનો હેતુ હતો એવું જણાય છે. જોકે પીએમએલએ કાયદાનો આ હેતુ નથી, એવી નોંધ વિશેષ કોર્ટે કરી હતી.

ઈડીએ સંજય રાઉત અને પ્રવીણ રાઉતને જામીન આપતાં જારી કરેલા આદેશમાં અમુક મહત્ત્વપૂર્ણ નિરીક્ષણ કર્યાં છે. આથી ઈડીની કાર્યવાહી પછી તપેલું રાજકારણ વિશેષ કોર્ટના આદેશ પછી ફરી તપશે કે કેમ એવી ચર્ચા છે. મુંબઈની પીએમએલએ વિશેષ કોર્ટે આદેશમાં નોંધ કરી કે પીએમએલએ કાયદાનો મુખ્ય ઉદ્દેશ જપ્તિ છે. એકાદ વ્યક્તિની ગેરકાયદેસર ધરપકડ કરવી, તેને નજરકેદમાં રાખવાનો ઉદ્દેશ નથી. પતરા ચાલ ગોટાળા પ્રકરણમાં ઈડીએ પ્રવીણ રાઉતની 72 કરોડની સંપત્તિ જપ્ત કરી છે, જ્યારે સંજય રાઉતની સંપત્તિ મની લોન્ડરિંગના દાવા થકી જપ્ત કરી છે.

કોર્ટે આદેશમાં જણાવ્યું છે કે ચંદન કેળેકર નામની વ્યક્તિએ તત્કાલીન કેન્દ્રિય કૃષિ મંત્રી (શરદ પવાર) અને મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય મંત્રી સાથે થયેલી બેઠકમાં સંજય રાઉત હાજર હતા એવો આરોપ કર્યો છે. આ મુદ્દાના આધારે રાઉત વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરીને ધરપકડ કરવામાં આવી. કેળેકરના કહ્યા મુજબ, મ્હાડા અને સરકારી અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર હતા. 2007થી મ્હાડાના અધિકારીઓની ભૂમિકા પણ શંકાસ્પદ રહી હતી. આમ છતાં તેમાંથી એકેય અધિકારી આરોપી નથી કે તેમની ધરપકડ કરાઈ નથી.

ફક્ત રાઉતની ધરપકડ કરવામાં આવી. કેળેકર, વાધવાન અને સ્વપ્ના પાટકરની માહિતી અનુસાર મ્હાડાના અધિકારી, ટી. ચંદ્રશેખર અને અન્ય અધિકારી બેઠકમાં હતા. આથી પવાર અને તત્કાલીન મુખ્ય મંત્રીનો ઉલ્લેખ કરીને આગામી કાર્યવાહીમાં તેમનો નંબર છે એવો ડર ઈડી તેમના મનમાં નિર્માણ કરવા માગતી હતી એવું જણાય છે. જોકે પીએમએલએ કાયદાનો આ હેતુ નથી, એમ કોર્ટે નોંધ્યું છે.

ઈડીએ ચાર્જશીટમાં શું જણાવ્યું હતું?
ઈડીની ચાર્જશીટ અનુસાર 2006-07ના સમયગાળામાં એક તત્કાલીન કેન્દ્રીય કૃષિ મંત્રી અને એક માજી મુખ્ય મંત્રી વચ્ચે બેઠક થઈ હતી. આ બેઠક પછી ગુરુઆશિષ કન્સ્ટ્રકશન પ્રાઈવેટ લિમિટેડ થકી રાકેશ વાધવાનને પતરા ચાલનું રિડેવલપમેન્ટ કરવા માટે લવાયા હતા. આ પછી તેમાં રૂ. 1034 કરોડનો ગોટાળો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...