મુશરીફના નિવાસસ્થાન પર દરોડા:રાજ્યના પૂર્વ મંત્રી હસન મુશરીફનાં ઘર અને ફેકટરીઓ પર EDના દરોડા

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2019માં આવકવેરા વિભાગે વ્યાપક દરોડા પાડ્યા હતા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ મની લોન્ડરિંગના કેસમાં કોલ્હાપુરના કાગલ અને પુણેમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી હસન મુશરીફના ઘર અને ફેક્ટરીઓ પર બુધવારે વ્યાપક દરોડા પાડ્યા હતા. 2019માં આવકવેરા વિભાગે મુશરીફના નિવાસસ્થાન અને ફેક્ટરી પર વ્યાપક દરોડા પાડ્યા હતા. આ દરોડાને પગલે મહાવિકાસ આઘાડીના નેતાઓ સાંસદ સુપ્રિયા સુળે અને ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે જણાવ્યું હતું કે, વિપક્ષી નેતાઓને નિશાન બનાવવા માટે તપાસ એજન્સીઓનો સરકાર દ્વારા દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભાજપના નેતા કિરીટ સોમૈયા, જેઓ મુશરીફ પર આરોપ લગાવવામાં સૌથી વધુ અવાજ ઉઠાવી રહ્યા છે, તેમણે ભૂતપૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે પર ભૂતકાળમાં મુશરીફને બચાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવતાં કહ્યું કે, મુશરીફનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.

ભૂતકાળમાં, સોમૈયાએ મુશરીફ અને તેમના સંબંધીઓ પર કાગલ વિસ્તારમાં રૂ. 127 કરોડના મની લોન્ડરિંગ કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ મૂક્યો હતો.મુશરીફ અને તેમના પુત્ર સહિત તેમના પરિવારે એવી કંપનીઓ બનાવી છે જે બદલામાં કોલકતા સ્થિત શેલ કંપનીઓ સાથે વ્યવહારો કરે છે. તેમના નાણાકીય વ્યવહારો તેમના બેંક ખાતામાં દર્શાવવામાં આવ્યા છે, તે કંપનીઓ અસ્તિત્વમાં નથી, એમ ભાજપના ભૂતપૂર્વ સાંસદ સોમૈયાએ આક્ષેપ કર્યો હતો.

કોલ્હાપુર જિલ્લાના વિધાનસભ્ય અને મહાવિકાસ આઘાડીમાં ભૂતપૂર્વ મંત્રી મુશરીફના બંગલા, ચીફ ઓફ આર્મી સ્ટાફ સંતાજી ઘોરપડે શુગર ફેક્ટરી અને ભૂતપૂર્વ મેયર પ્રકાશ ગાડેકરના બંગલા પર ઈડીએ બુધવારે દરોડા પાડ્યા હતા. આ દરોડા પછી હસન મુશરીફે કાર્યવાહીનું કારણ ખબર ન હોવાનું જણાવ્યું હતું.

બ્રિક્સ કંપની સાથે સંબંધ નથી: તેમણે ઉમેર્યું હતું કે, મારા જમાઈને બ્રિક્સ કંપની સાથે કોઈ લેવાદેવા નથી. આજે કયા મુદ્દા પર દરોડો પાડવામાં આવ્યો તે મને સમજાતું નથી, પરિવાર પરેશાન છે. પરિવારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ રાજકારણ માટે કરવામાં આવી રહ્યું છે. દરમિયાન ભાજપના નેતા કિરીટ સોમૈયાએ અપ્પાસાહેબ નલાવડે શુગર ફેક્ટરીમાં અંદાજે 1500 કરોડના કથિત કૌભાંડનો આરોપ લગાવ્યો છે. તે પછી આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું કહેવાય છે.

દરમિયાન રાષ્ટ્રવાદીના નેતા અને વિપક્ષી નેતા અજિત પવારે કહ્યું છે કે આ રીતે વેરવૃત્તિથી પગલાં લેવાનું ખોટું છે અને અમુક પક્ષો સામે માત્ર નિર્ણય લઈને આવી કાર્યવાહી કરવી યોગ્ય નથી. રાજ્ય સરકાર હેઠળની તપાસ એજન્સી દ્વારા ઠાકરે જૂથના રાજન સાળવી, નીતિન દેશમુખ, વૈભવ નાઈક સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

શું આ રાજકીય દાવપેચ છે? તેવો સવાલ ઊઠી રહ્યો છે. કોણ પીડાય છે, તેનાથી કોઈ ફરક પડતો નથી. અનિલ દેશમુખ સામે કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ કોઈ પુરાવા મળ્યા નથી. સંજય રાઉત સાથે પણ એવું જ થયું. દેશ અને રાજ્યને આ બધું પોસાય તેમ નથી, એમ પવારે જણાવ્યું હતું.

સોમૈયાની સામે તપાસ થવી જોઈએ
રાષ્ટ્રવાદી નેતા વિદ્યા ચવ્હાણે કહ્યું, કે ઈડી દ્વારા દરોડા પાડવું એ કંઈ નવું નથી. અગાઉ પણ અનેક નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ પુરાવાના અભાવે તેમને છોડી મૂકવામાં આવ્યા છે. મૂળભૂત રીતે કિરીટ સોમૈયા સામે તપાસ થવી જોઈએ. માત્ર રાષ્ટ્રવાદીના લોકો સામે જ કેવી રીતે કાર્યવાહી થાય છે. વિદ્યા ચવ્હાણે સવાલ ઉઠાવ્યો કે કેવી રીતે ભાજપ લોકો સામે કોઈ કાર્યવાહી નથી થઈ રહી.

મુશરીફે બચાવમાં શું કહ્યું?
હસન મુશરીફે જણાવ્યું હતું, કે સોમૈયા સામે રૂ. 1.5 કરોડનો ફોજદારી દાવો પેન્ડિંગ છે. અગાઉ પણ મારા ઠેકાણા આવકવેરા વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા. સોમૈયા દ્વારા લગાવવામાં આવેલા આરોપો બાદ મેં પહેલા જ જવાબ આપી દીધો હતો.

મારા પરિવાર પર દરોડા પાડવામાં આવ્યા હતા. ઈડીની નોટિસ, સમન્સ કંઈ નથી. ફેક્ટરીના પૈસા શેર દ્વારા ઊભા કરવામાં આવ્યા હતા. પુણેમાં ગાયકવાડ સાથે કોઈ વ્યાવસાયિક ભાગીદારી નથી. બ્રિક્સ કંપની મારી હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ તે સાચું નથી. સોમૈયાએ મારા પર ફેક્ટરીઓ અને શેલ કંપનીઓ દ્વારા કાળા નાણાંનું રોકાણ કરવાનો આરોપ લગાવ્યો, પરંતુ આ આરોપમાં કોઈ સત્ય નથી.

અન્ય સમાચારો પણ છે...