અડચણમાં વધારો થવાની શક્યતા:નવાબ મલિકની સંપત્તિ જપ્ત કરવા EDને મંજૂરી

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાઉદની બહેન સાથે મની લોન્ડરિંગ સંબંધીત પ્રકરણ

રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને રાજ્યના ભૂતપૂર્વ મંત્રી નવાબ મલિકને મોટો આંચકો લાગ્યો છે. મલિકની સંપત્તિ જપ્ત કરવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને પરવાનગી મળી છે. મલિક અને તેમના સગાંસંબંધીઓની આ પ્રકરણ સંબંધિત વિવાદિત સંપત્તિ સીલ કરવામાં આવશે. એમાં મુંબઈના ગોવાવાલા કમ્પાઉન્ડની જમીનનો એક ભાગ, કુર્લા પશ્ચિમમાં ત્રણ ફ્લેટ, બાન્દરા પશ્ચિમમાં બે ફ્લેટ અને ઉસ્માનાબાદ જિલ્લામાં 147 એકરના ખેતરનો સમાવેશ છે. માલમતા તાબામાં લેવા બાબતે ઈડીના અધિકારી કાયદાકીય સલાહ લઈ રહ્યા છે.

ફરાર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની સ્વર્ગસ્થ બહેન હસીના પારકર સાથે સંબંધિત મની લોન્ડરિંગ પ્રકરણમાં ઈડીએ કાર્યવાહી કરતાં ફેબ્રુઆરીમાં નવાબ મલિકની ધરપકડ કરી હતી. એ પછી એપ્રિલમાં ઈડીએ મલિક કુટુંબની માલમતા હંગામી સ્વરૂપે જપ્ત કરી હતી. હવે સંબંધિત પ્રાધિકરણે આ જપ્તિને મંજૂરી આપી છે. આ માલમતા નવાબ મલિક, તેમના કુટુંબીઓ, સોલિડ્સ ઈન્વેસ્ટમેન્ટ્સ પ્રા.લિ. અને મલિક ઈન્ફ્રાસ્ટ્રકચર કંપની સાથે સંબંધિત છે. નવાબ મલિક અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ઈડીને સંપત્તિ જપ્ત કરવાની પરવાનગી મળી હોવાથી મલિક કુટુંબની અડચણમાં વધારો થવાની શક્યતા છે.

આરોપ શું છે? - હસીના પારકર, સલીમ પટેલ, 1993 મુંબઈ બોમ્બવિસ્ફોટ પ્રકરણના આરોપી સરદાર ખાન અને નવાબ મલિકે મુનીરા પ્લમ્બર નામની મહિલાની ગોવાવાલા કમ્પાઉન્ડ સ્થિત 3 એકર જમીન કાવતરુ રચીને હડપી લીધી હોવાનો આરોપ છે. આ મહિલાએ 1999માં સલીમ પટેલના નામથી પાવર ઓફ એટર્ની જારી કર્યું હતું. તેના દ્વારા સલીમ પટેલ તરફથી આ જમીન પર રહેલાં ગેરકાયદે અતિક્રમણનો ઉકેલ કાઢવામાં આવે એ અપેક્ષિત હતું.

જોકે પટેલે દુરુપયોગ કરીને હસીના પારકરની સૂચના અનુસાર ગોવાવાલા કમ્પાઉન્ડની જમીન મલિકની સોલિડ્સ ઈન્વેસ્ટમંટ્સ પ્રા.લિ. કંપનીને વેચી હોવાનો આરોપ છે. મલિકે ગોવાવાલા કમ્પાઉન્ડની જગ્યા ભાડે આપીને એમાંથી મળેલા રૂપિયા દ્વારા બાન્દરા, કુર્લા ખાતેના ફ્લેટ્સ અને ઉસ્માનાબાદમાં ખેતરની ખરીદી કરી હોવાનો ઈડીનો આરોપ છે. મલિકે આ આરોપ ફગાવી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...