મુંબઈમાં બહુમજલી ઈમારતો બનાવવાની જાણે હોડ લાગી છે. અમુક સદ્ધર બિલ્ડરો જ્યાં જ્યાં તક મળે ત્યાં ટાવરો ઊભા કરી રહ્યા છે. જોકે બીજી બાજુ આવા ટાવરોમાં આગ ફાટી નીકળે ત્યારે તે બુઝાવવામાં અનેક મુશ્કેલીઓ આવે છે. આને કારણે જાનમાલ હાનિ પણ મોટે પાયે થતી હોય છે. અગ્નિશમન દળ તે માટે વારંવાર નવા નવા ઉપાયો કરે છે.
જોકે ઊંચી ઈમારતોમાં આગ લાગે ત્યારે તે બુઝાવવામાં હજુ પણ દળ અનેક પડકારોનો સામનો કરે છે. આથી જ હવે ઊંચી ઈમારતોમાં આગ બુઝાવવા માટે ડ્રોન ટેકનોલોજી વસાવવા પર ગંભીરતાથી વિચાર ચાલી રહ્યો છે. આ ટેકનોલોજી વસાવવા માટે પ્રાથમિક તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ માટે આઈઆઈટી મુંબઈ અને સ્ટાર્ટઅપ કંપનીઓની પણ મદદ અગ્નિશમન દળ દ્વારા લેવામાં આવી છે.
મુંબઈની ઈમારતો માટે હાલ ઊંચાઈની મર્યાદા 200થી 250 ફૂટ મીટર છે, જે લગભગ 30 માળ જેટલી હોય છે. જોકે આટલા ઉપર આગ લાગે તો સીડી થકી ઉપર પહોંચીને આગ પર નિયંત્રણ મેળવવાનું મુશ્કેલ છે, કારણ કે અગ્નિશમન દળ પાસે હાલ ઉપલબ્ધ સીડીની ઊંચાઈ ફક્ત 90 મીટર સુધી પહોંચી શકે તેટલી છે.
મુંબઈ વિવિધ વાહિનીઓનું અંડરગ્રાઉન્ડ નેટવર્ક અને અંડરગ્રાઉન્ડ મેટ્રો પ્રકલ્પને ધ્યાનમાં લેતાં વધુ વજન અને ઊંચાઈની સીડી લાવવાની મર્યાદા છે. વધુ વજનને લીધે ઊંચી સીડીનું એન્જિન બગડવાની સંભાવના હોય છે. આથી અંતર્ગત ઉપાયયોજના પર જ મુંબઈની ઈમારતોને આધાર રાખવો પડે છે. જોકે હવે એક વિકલ્પ તરીકે ડ્રોન ટેકનોલોજી પાસે જોવામાં આવી રહ્યું છે. ડ્રોનના માધ્યમથી આગ બુઝાવવાનો વિકલ્પ ઉત્તમ નીવડી શકે છે, એવો વિશ્વાસ અગ્નિશમન દળના અધિકારીઓને છે.
ડેમોન્સ્ટ્રેશન બતાવવાનું શરૂ
દરમિયાન મુંબઈ અગ્નિશમન દળના ચીફ ફાયર ઓફિસર હેમંત પરબે જણાવ્યું કે ભવિષ્યમાં વધુ ઊંચાઈએ આગ લાગે તો બુઝાવવા માટે ડ્રોનની જરૂર પડવાની છે. આગામી છથી આઠ મહિનામાં આ ટેકનોલોજી ઉપલબ્ધ થાય એવી અપેક્ષા છે. હમણાં સુધી અનેક કંપનીઓએ તેનું ડેમોન્સ્ટ્રેશન રજૂ કર્યું છે અને આઈઆઈટી મુંબઈ પણ આ ટેકનોલોજી પર કામ કરી રહી છે. અપેક્ષા એવી છે કે ડ્રોન દ્વારા 300 મીટર ઊંચાઈ પર જઈને આગ બુઝાવવામાં આવે, કમસેકમ તેમાં બે કલાકનું બેટરી બેક-અપ હોવું જોઈએ, ડ્રોનનીમદદથી પાઈપ ઊંચી જગ્યાએ પહોંચાડવો, રેસ્ક્યુ ઓપરેશન માટે ડોન ઉપયોગ થવો જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.