માહિમમાં પ્રસિદ્ધ સેન્ટ માઈકલ્સ ચર્ચની પાછળ ખ્રિસ્તી કબ્રસ્તાનમાં ઘૂસીને અનેક ક્રોસની તોડફોડ કરવામાં આવતાં ખ્રિસ્તી સમુદાયમાં અસંતોષની લાગણી ફેલાઈ હતી. કેટલાક રાજકારણીઓએ પણ તે સામે વાંધો ઉઠાવ્યો હતો અને આરોપીને તુરંત ઝડપી લેવા માટે માગણી કરી હતી, જે પછી પોલીસે આરોપીને કલંબોલીથી ઝડપી લીધો છે. તે દાઉદ ઈબ્રાહિમનો સાગરીત હોવાની શંકા છે.
આરોપી મહંમદ યાકુબ અન્સારી (22)ની રવિવારે કલંબોલીથી ધરપકડ કરવામાં આવી હતી.શનિવારે સવારે માહિમના પ્રસિદ્ધ ચર્ચની પાછળ આવેલા કબ્રસ્તાનમાં અનેક હોલી ક્રોસની તોડફોડ કરવામાં આવી હતી. આને કારણે ખ્રિસ્તી સમુદાયમાં અસંતોષ ફેલાયો હતો.આથી પોલીસે તુરંત તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજ, સાક્ષીદારોએ આપેલી માહિતી અને ટેક્નિકલ વિશ્લેષણને આધારે આરોપીને ઓળખી કાઢવામાં આવ્યો હતો, જે પછી તેને કલંબોલીથી ઝડપી લેવાયો હતો. માહિમના સિનિયર પીઆઈ સુધાકર શિરસાટે જણાવ્યું હતું કે માહિમ ચર્ચ પ્રસિદ્ધ છે.
આરોપી સવાર ચર્ચમાં ઘણી વાર હતો, જે પછી તેણે આ કૃત્ય કર્યું હતું. જોકે આ કૃત્ય શા માટે કર્યું તે હજુ કબૂલ કરતો નથી. આ અંગે વધુ તપાસ ચાલુ છે. આ ગુનો ગંભીર છે અને તેથી અમે તેના મૂળ સુધી પહોંચીશું.દરમિયાન રાષ્ટ્રવાદીના પ્રવક્તા ક્લાઈડ ક્રેસ્ટોએ મુખ્ય મંત્રી એકનાથ શિંદે, ઉપ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ રીતે તોડફોડ કરીને ધાર્મિક લાગણી દુભાવનાર સામે કઠોર કાર્યવાહી કરવાની માગણી કરી હતી. કબર અને ક્રોસની તોડફોડ અત્યંત વિચલિત કરનારી ઘટના છે.
ખાસ કરીને બાંદરામાં સેન્ટ પીટર્સ ચર્ચને આપવામાં આવેલી જમીન હસ્તગત કરવાની નોટિસ હંગામી ધોરણે પાછી ખેંચી લીધા પછી તુરંત આ ઘટના બની હોવાથી ઘણી બધી શંકાઓ ઊપજાવે છે, એમ તેમણે જણાવ્યું હતું.રાષ્ટ્રવાદીનાં નેતા વિદ્યા ચવાણે આ ઘટનાની આકરી ટીકા કરીને શિંદે સરકારને મુંબઈમાં સર્વ ચર્ચ અને કબ્રસ્તાનને સંપૂર્ણ રક્ષણ આપવા માટે માગણી કરી હતી. મુંબઈ પોલીસને પણ કઠોર પગલાં લેવા માટે માગણી કરી હતી. સુશિક્ષિત મહારાષ્ટ્રમાં આવી ઘટનાઓ બનતી જોઈને બહુ દુઃખ થાય છે. સરકારે આવી ઘટનાઓનું પુનરાવર્તન નહીં થાય તે માટે કઠોર પગલાં લેવાં જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.
છત્તીસગઢમાં પણ ભાંગફોડ : નોંધનીય છે કે છત્તીસગઢના નારાયણપુર શહેરમાં ચર્ચ ખાતે ભાંગફોડ કરાઈ હતી અને પોલીસો પર હુમલો કરાયો હતો. આ ઘટનામાં પોલીસે અનેકની ધરપકડ કરી છે. ગત સોમવારે આદિવાસીઓનું વર્ચસ ધરાવતા વિસ્તારમાં ધર્મપરિવર્તનના આરોપ વિરુદ્ધ દેખાવો દરમિયાન ખાનગી સ્કૂલના સંકુલમાં સ્થિત આ ચર્ચને લક્ષ્ય બનાવવામાં આવ્યું હતું. દેખાવકારોએ ટોળાને વિખેરવાનો પ્રયાસ કરતા એસપી સદાનંદ કુમાર અને પાંચ પોલીસ કર્મચારી પર પણ હુમલો કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.