મતમતાંતર:રાષ્ટ્રપતિની ચૂંટણી બાબતે શિવસેનાના સાંસદોમાં મતમતાંતર

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાત સાંસદ ગેરહાજરઃ બેઠક બાદ રાઉત નારાજ

શિવસેનાના લોકસભાના અને રાજ્યસભાના સાસંદો બેઠક સોમવારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં માતોશ્રી પર યોજાઇ હતી. આ બેઠકમાં એનડીએના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન આપવાની માગણી હાજર મોટા ભાગના સાસંદોએ કરી હતી. જોકે રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે યશવંત સિન્હાનું જોરદાર સમર્થન કર્યું હતું. તેથી સંજય રાઉત અને અન્ય સાંસદો વચ્ચેનો એકમત સધાયો નહોતો. આ મામલે હવે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આગામી બે દિવસમાં આખરી નિર્ણય લેશે, એમ બેઠકમાં હાજર રહેલા સાંસદ ગજાનન કીર્તિકરે જણાવ્યું હતું.

બીજી તરફ સોમવારની બેઠકમાં લોકસભાના શિવસેનાના 12 સાંસદોએ હાજરી આપી હતી. સાત સાંસદો બેઠકમાં ગેરહાજર રહેતા ફરી એક વાર આ સાંસદો શિંદે જૂથમાં જોડાશે તેવી અટકળો શરૂ થઇ ગઇ છે. અગાઉ સાંસદો રાહુલ શેવાળે અને રાજેન્દ્ર ગાવિતે થોડા દિવસો પહેલાં ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને ભાજપના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન આપવા વિનંતી કરી હતી. એ પછી ઉદ્ધવ ઠાકરે અને સાંસદોએ રાષ્ટ્રપતિપદના કયા ઉમેદવારોને ટેકો આપવો તે અંગે ચર્ચા કરવા બેઠક બોલાવી હતી.

આ બેઠકમાં યુપીએના ઉમેદવારને નહીં પણ ભાજપના ઉમેદવારને સમર્થન આપવા માટે મોટા ભાગના સાસંદોએ મત વ્યકત ર્ક્યાં હતો. તેથી શિવસેના રાષ્ટ્રપતિપદ માટે યુપીએ કે એનડીએના ઉમેદવારને સમર્થન કરશે કે કેમ તે બેઠકના અંતે સ્પષ્ટ થશે એમ માનવામાં આવતું હતું પરંતુ હવે ઉદ્ધવ ઠાકરે બે દિવસ પછી આ અંગે નિર્ણય લેશે. આથી ઉદ્ધવ ઠાકરેના નિર્ણય તરફ સૌનું ધ્યાન ગયું છે.

શિવસેનાના સાંસદોની માતોશ્રીમાં સોમવારે બપોરે બેઠક કરી હતી. મહારાષ્ટ્રના શિવસેનાના 18 સાંસદમાંથી છ સાંસદોએ બેઠકનો બહિષ્કાર કર્યો છે. ઉપરાંત દાદરા- નગર હવેલીનાં સાંસજ રેખાબેન ડેલકર પણ ગેરહાજર હતાં. કેટલાક સાંસદો શિંદે જૂથના સંપર્કમાં હોવાની ચર્ચા છે. રાજ્યસભાના સાંસદો સંજય રાઉત અને પ્રિયંકા ચતુર્વેદી બેઠકમાં હાજર હતા, જ્યારે અનિલ દેસાઈ દિલ્હીમાં છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં બપોરે 12.30 વાગ્યે બેઠક શરૂ થઈ હતી. બેઠકના ત્રણ કલાક બાદ પણ માત્ર 12 સાંસદ જ હાજર રહેતા રાજકીય અટકળોને બળ મળી રહ્યું છે.

ભાજપ- શિંદે સાથે જોડાણની માગ : શિવસેનાના અમુક સાંસદોએ પક્ષના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને ભવિષ્યમાં ભાજપ અને શિંદે સાથે જોડાણ કરવાની માગ કરી છે. સોમવારની બેઠકમાં કેટલાક સાંસદોએ મુર્મુને સમર્થન આપવાનો આગ્રહ કર્યો હતો. આ સાથે કેટલાક સાંસદોએ એવી લાગણી વ્યક્ત કરી હતી કે ભાજપે દેશમાં મોટી તાકાત ઊભી કરી છે, જેથી આપણે તેની સાથે રહેવું જોઈએ. ધારાસભ્યોને પગલે શિવસેનાના સાંસદો પણ નારાજ થયા હોવાની વાતો વહેતી થઈ હતી. તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. શિંદેની સાથે 50 ધારાસભ્યો છે, તે હજુ પણ આપણા છે, આપણે પણ એકનાથ શિંદેનો સાથ લેવો જોઈએ. એકનાથ શિંદે અને ભાજપ સત્તામાં આવ્યા છે.

જો આપણે બંને સાથે મળીશું તો ભવિષ્યમાં પક્ષના હિતમાં રહેશે, એમ સાંસદોનું કહેવું છે. દરમિયાન, દ્રૌપદી મુર્મુને સમર્થન આપવું કે નહીં તે હજુ નક્કી થયું નથી, પરંતુ જાણવા મળ્યું છે, કે શિવસેનાના સાંસદોનું એક પ્રતિનિધિમંડળ તેમની મુલાકાત લેશે. ત્યારપછી જો શિવસેના દ્રૌપદી મુર્મુને સમર્થન આપે છે તો તેઓ માતોશ્રીનો આભાર માનવા આવી શકે છે.

કોણ હાજર અને કોણ ગેરહાજર
ગજાનન કીર્તિકર, અરવિંદ સાવંત, વિનાયક રાઉત, હેમંત ગોડસે, ધૈર્યશીલ માને, પ્રતાપ જાધવ, સદાશિવ લોખંડે, રાહુલ શેવાળે, શ્રીરંગ બાર્ને, રાજન વિચારે, ઓમરાજે નિમ્બાલકર અને રાજેન્દ્ર ગાવિત બેઠકમાં હાજર હતા. યવતમાળ-વાશિમનાં સાસંદ ભાવના ગવળી, પરભણીના સંજય જાધવ, કોલ્હાપુરના સંજય માંડહિક, હિંગોલીના હેમંત પાટીલ, કલ્યાણ- ડોમ્બિવલીના શ્રીકાંત શિંદે, રામટેકના કૃપાલ તુમાને અને દાદરા-નગર હવેલીનાં કલાબેન ડેલકર ગેરહાજર હતાં. રાજ્યસભાના સાંસદમાં સંજય રાઉત અને પ્રિયંકા ચતુર્વેદી હાજર હતાં, જયારે અનિલ દેસાઈ દિલ્હી ગયા હોવાથી સોમવારની બેઠકમાં ગેરહાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...