છેતરપિંડી:મુંબઈના વેપારી સાથે ઠગાઈ મુદ્દે સુરતની હીરા દલાલની ધરપકડ

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પહેલાં વિશ્વાસ સંપાદન કર્યા પછી હીરા લઈને ગાયબ થઈ ગયો હતો

મુંબઈના હીરાના વેપારીનું વિશ્વાસ સંપાદન કર્યા પછી રૂ. 63.04 લાખના હીરા લઈને છૂ થઈ ગયેલા સુરતના હીરા દલાલ ભરત મંજીભાઈ ગાંગાણી (25)ની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-8 દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેને મુંબઈની કોર્ટમાં હાજર કરાતાં 6 ઓગસ્ટ સુધી રિમાંડ પર રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ કેસના ફરિયાદી પંકજ હિંમતભાઈ ભડિયાદ્રા સાંતાક્રુઝમાં રહે છે અને બીકેસીમાં હીરા લેવેચનો ધંધો છે. એક પરિચિત વેપાર થકી આરોપી સાથે 8-10 વર્ષ પૂર્વે ઓળખ થઈ હતી. આરોપી ચેન્નાઈ, બેન્ગલોર, હૈદરાબાદમાં પણ હીરાની દલાલી કરે છે. 22 ઓક્ટોબર, 2021ના રોજ આરોપી ફરિયાદીની ઓફિસમાં આવ્યો હતો. તેણે કહ્યું ચેન્નાઈની એક પાર્ટીને હીરાની જરૂર છે.

બીજા દિવસે આવીને આરોપી અમુક સેમ્પલ લઈ ગયો હતો. 25 ઓક્ટોબરે કોલ કરીને ફરિયાદીને કહ્યું કે સેમ્પલના હીરાથી પાર્ટીને સંતોષ છે. આથી બાકી હીરાઓ કુરિયર દ્વારા મોકલી દેવા. ફરિયાદીએ રૂ. 63.04 લાખના હીરા કુરિયર થકી મોકલી દીધા હતા. આરોપીએ હીરાના પૈસા આવતાં જ આરટીજીએસ થકી મોકલી દેવા જણાવ્યું હતું.

જોકે ખાસ્સો સમય નીકળી જવા છતાં આરોપીએ પૈસા જમા કર્યા નહીં. થોડા સમય પછી ઉડાઉ જવાબ આપવાનું શરૂ કર્યું અને તે પછી ફોન પણ બંધ કરી દીધો. આથી ફરિયાદીએ બીકેસી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ઠગાઈની રકમ મોટી હોવાથી ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. પોલીસે મોબાઈલ લોકેશનને આધારે આરોપીની શુક્રવારે સુરતથી ધરપકડ કરી.

અન્ય સમાચારો પણ છે...