લાંચ આપવાનો પ્રયાસ:બુકી પિતાને છોડાવવા ડિઝાઈનરની અમૃતા ફડણવીસને 1 કરોડની ઓફર

મુંબઈ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહારાષ્ટ્રની ભાજપ સરકારના ઉપ મુખ્યમંત્રીની પત્નીને લાંચ આપી કામ કઢાવવાનો પ્રયાસ
  • ડિઝાઈનર પુત્રીના ઉલ્હાસનગરના ઘર પર દરોડા

મુંબઈ પોલીસે મહારાષ્ટ્રના ઉપ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસ દ્વારા દાખલ કરાયેલા કેસના સંબંધમાં પોલીસે ગુરુવારે બુકી અનિલ જયસિંઘાણીના ઉલ્હાસનગરના ઘર પર દરોડા પાડ્યા હતા, જે સમયે બુકી અનિલ, તેની ડિઝાઈનર પુત્રી અનિક્ષા અને પુત્ર અક્ષન હાજર હતા. પોલીસે અનિક્ષાને કબજામાં લીધી હતી.અમૃતા ફડણવીસે ફોજદારી કેસમાં દરમિયાનગીરી કરવા તેમ જ ધમકી આપવા માટે કથિત રીતે લાંચ આપવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યા બાદ ડિઝાઇનર અનિક્ષા જયસિંઘાણી અને અનિલ જયસિંઘાણી વિરુદ્ધ ફરિયાદ મલબાર હિલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી.

અમૃતા ફડણવીસને 1 કરોડ રૂપિયાની લાંચ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અમૃતા ફડણવીસે મુંબઈમાં ડિઝાઈનર વિરુદ્ધ ધમકીઓ અને ષડયંત્રના આરોપો સાથે ફરિયાદ નોંધાવી છે. તેમણે 20 ફેબ્રુઆરીએ દાખલ કરેલી ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ (એફઆઇઆર)માં “અનિક્ષા” નામની મહિલા અને તેના પિતાનું નામ આપ્યું છે. અમૃતાએ આરોપ લગાવ્યો હતો કે આરોપી મહિલા ડિઝાઇનરે તેને લાંચ આપવાનો પ્રયાસ કર્યો. તેણે તેના પિતાને સંડોવતા ફોજદારી કેસમાં હસ્તક્ષેપ કરવા માટે રૂ. 1 કરોડની ઓફર કરી હતી.ગુરુવારે મહારાષ્ટ્ર વિધાનસભાના સત્રમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ઉપ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ સંબંધમાં સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો હતો. વિપક્ષના નેતા અજિત પવારે ગુરુવારે કહ્યું કે, અમૃતા ફડણવીસે દાખલ કરેલી ફરિયાદ વિશે આ ગૃહને જાણકારી આપવી જોઈએ.દેવેન્દ્ર ફડણવીસે અજિત પવાર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ન માટે ગૃહનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું, લાંચ ઓફર કરીને મારા દ્વારા કોઈ કામ કરાવવા દબાણ કરવાનો પ્રયાસ કરતા હોવાની એફઆઈઆર નોંધાવી છે. પહેલા પૈસાની ઓફર કરવામાં આવી હતી. ત્યાર બાદ બ્લેકમેઈલિંગ શરૂ કરાયું હતું.ફડણવીસે વધુમાં કહ્યું કે, વિડિયો, કેટલીક ક્લિપ્સ અજાણ્યા નંબર પરથી આવી છે.

આ વિડિયોમાં યુવતી બેગ ભરીને અમારા ઘરે કામ કરતી મહિલાને બેગ આપે છે અને તેની સાથે ધમકીઓ પણ મોકલવામાં આવે છે. મારા તમામ પક્ષો સાથે સંબંધો છે, જેના કારણે તમારા પતિને પદ ગુમાવવું પડી શકે છે, એવું કહેવામાં આવ્યું હતું.આ કેસમાં 20 ફેબ્રુઆરીએ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. આરોપ છે કે અનિક્ષા છેલ્લા 16 મહિનાથી અમૃતાના સંપર્કમાં હતી અને તેમના ઘરે પણ જતી હતી. અમૃતા પહેલી વાર નવેમ્બર 2021માં અનિક્ષાને મળ્યાં હતાં. અનિક્ષાએ દાવો કર્યો હતો કે તે કપડાં, જ્વેલરી અને ફૂટવેરની ડિઝાઇનર છે અને અમૃતાને જાહેર કાર્યક્રમોમાં તે પહેરવાની વિનંતી કરી હતી.

અનિક્ષાએ અમૃતાને કહ્યું હતું કે તેની માતા હવે નથી અને તે તેના પરિવારની આર્થિક સંભાળ રાખે છે. અમૃતાનો વિશ્વાસ મેળવ્યા પછી, અનિક્ષાએ તેને કેટલાક બુકીઓ વિશે માહિતી પ્રદાન કરવાની ઓફર કરી, જેના દ્વારા તેણે દાવો કર્યો કે તેઓ પૈસા કમાઈ શકે છે. ત્યાર બાદ અનિક્ષાએ અમૃતાને તેના પિતાને પોલીસ કેસમાંથી બહાર કાઢવા માટે 1 કરોડ રૂપિયાની ઓફર કરી હતી.

અમૃતાએ પોલીસને જણાવ્યું કે તે અનિક્ષાના વર્તનથી નારાજ હતી અને તેનો નંબર બ્લોક કરી દીધો હતો.ત્યાર પછી મહિલાએ અમૃતાને એક અજાણ્યા નંબર પરથી વિડિયો ક્લિપ્સ, વોઈસ નોટ્સ અને કેટલાક મેસેજ મોકલ્યા હતા. પોલીસે અનિક્ષા અને તેના પિતા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 120-બી (ષડયંત્ર) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમો હેઠળ સરકારી કર્મચારીને ધમકી આપવા માટે ભ્રષ્ટ અને ગેરકાયદેસર માધ્યમોનો ઉપયોગ કરવા સંબંધિત એફઆઇઆર નોંધી છે.

જયસિંઘાણી અનેક કેસમાં વોન્ટેડ
અનિક્ષા કાયદાની સ્નાતક છે અને કથિત રીતે તેના પિતા સામે નોંધાયેલા કેસમાંથી બચાવવા લોકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતી હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું. અનિક્ષાના પિતા અનિલ જયસિંઘાણી સામેના કેસમાં સટ્ટાબાજી, ધમકી, છેતરપિંડી અને સરકારી અધિકારીઓને ગેરમાર્ગે દોરવાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...