મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ અને બરતરફ એપીઆઇ સચિન વાઝેની ન્યાયિક કસ્ટડી સીબીઆઇની વિશેષ અદાલતે મંગળવારે 14 દિવસ લંબાવી હતી. દેશમુખના સહાયકો સંજીવ પલાંડે અને કુંદન શિંદેની કસ્ટડી પણ આ સાથે લંબાવવામાં આવી હતી.
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહ દ્વારા હોટેલિયરો પાસેથી 100 કરોડ રૂપિયાની વસૂલીના લગાવેલા આરોપોની તપાસના સંદર્ભમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અનિલ દેશમુખ અને અન્યો સામે ચાર્જશીટ દાખલ કરી હતી.ચાર્જશીટમાં દેશમુખ, કુંદન શિંદે અને સંજીવ પલાંડે પર ગુનાહિત કાવતરું અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની જોગવાઈઓ સંબંધિત આઇપીસીની કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યા છે.2021માં મુંબઈ પોલીસ કમિશનર પદેથી હટાવવામાં આવ્યા બાદ, પરમવીર સિંહે મુખ્ય મત્રી ઉદ્ધવ ઠાકરેને એક વિસ્ફોટક પત્ર લખ્યો હતો, જેમાં આરોપ લગાવ્યો હતો કે અનિલ દેશમુખે મુંબઈમાં હોટેલ્સ, બાર અને રેસ્ટોરાંવાળા પાસેથી તેમને અનધિકૃત રીતે ધંધો ચલાવવા દેવા સામે મહિને 100 કરોડ રૂપિયાની વસૂલી કરવાની જવાબદારી વાઝે અને અમુક ચુનંદા અધિકારીઓને સોંપી હતી.
પ્રારંભિક તપાસમાં પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું કે આ બાબતમાં દખલપાત્ર ગુનો કરવામાં આવ્યો છે, જેમાં દેશમુખ અને અન્યોએ તેમની જાહેર ફરજની ઐસીતૈસી કરીને અયોગ્ય લાભ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, એમ સીબીઆઈએ તેની એફઆઈઆરમાં નોંધ કરી છે.ત્યાર બાદ, દેશમુખની નવેમ્બર 2021માં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તેઓ જેલમાં બંધ છે. મની લોન્ડરિંગ કેસના સંબંધમાં પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. દેશમુખે આરોપોને નકારી કાઢ્યા હોવા છતાં, મુંબઈ હાઈ કોર્ટે સીબીઆઈને તેમની સામે કેસ નોંધવાનો આદેશ આપ્યા પછી ગયા વર્ષે તેમણે ગૃહમંત્રી તરીકે રાજીનામું આપ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.