કાર્યવાહી:પ્રતાપગઢ ખાતે અફઝલ ખાનની કબર સામે ગેરકાયદે બાંધકામ તોડવાનું શરૂ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનિચ્છનીય ઘટના ટાળવા વિસ્તારમાં કલમ 144 લાગુ

સાતારા જિલ્લાના કિલ્લો પ્રતાપગઢના પગથિયે અફઝલ ખાનના કબર સામે અનધિકૃત બાંધકામ પાડવાનું શરૂ કરવામાં આવ્યું છે. મહેસૂલ વિભાગ અને વન વિભાગે ગુરુવારે સવારે 4 વાગ્યાથી તોડકામ શરૂ કર્યું. આશરે 1500 પોલીસોના કડક બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી શરૂ કરાઈ હતી. ખાસ કરીને 10 નવેમ્બર, 1659ના રોજ જ આ પગથિયા પાસે છત્રપતિ શિવાજી મહારાજે અફઝલ ખાનનો વધ કર્યો હતો, જે દિવસનું નિમિત્ત સાધી સરકારે આ કાર્યવાહી શરૂ કરી છે. કબરના સુશોભિકરણ પરથી અનેક વાર વાદવિવાદ થયા છે. અગાઉ અમુક ચોરસમીટરમાં રહેલી આ કબર હવે એકરોમાં પ્રસરી ગઈ છે.

તેની પર અનેક શિવપ્રેમીઓએ નારાજી વ્યક્ત કરી હતી. હિંદુત્વવાદી સંગઠનોએ બાંધકામ હટાવવા માગણી કરી હતી. અનિચ્છનીય ઘટના ટાળવા 2006થી આ વિસ્તારને સીલ કરાયો હતો. તે ખુલ્લો કરવા માગણી થઈ હતી, જે વિવાદ પછી કોર્ટમાં ગયો હતો.આખરે વનમંત્રી સુધીર મુનગંટીવારના આદેશ અનુસાર કાર્યવાહી શરૂ થઈ છે. વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ વિસ્તારની હોટેલોમાંથી પર્યટકોને પણ હટાવીને તે બંધ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે પણ આ બાંધકામ તોડવાનો આદેશ આપ્યો હતો, પરંતુ સરકાર પાસેથી લીલી ઝંડી મળતી નહોતી.

આખરે સાતારાના એસપી તરીકે સમીર શેખ આવતાં જ તેમણે આ મોટી કાર્યવાહી કરી. સ્થાનિકો અને પત્રકારોને પણ આ ક્ષેત્રમાં પ્રવેશની મનાઈ કરવામાં આવી હતી. દરમિયાન ગુરુવારે શિવપ્રતાપ દિવસ છે, જે દિવસે શિવપ્રેમીઓ મોટી સંખ્યામાં પ્રતાપગઢ પર જાય છે. જોકે આ કાર્યવાહીને લીધે શિવપ્રેમીઓએ નિરાશ થઈને પાછા ફરવું પડ્યું હતું.

જોકે આજની કાર્યવાહીથી શિવપ્રેમીઓમાં ખુશીની લાગણી પણ છે. અમુક શિવપ્રેમીઓએ કહ્યું કે અફઝલ ખાનની કબર સામે વિસ્તાર સીલ હોવાથી કબરની બાબતે ખોટો ઈતિહાસ લોકો સામે આવતો હતો. આજની કાર્યવાહી પછી સાચો ઈતિહાસ શિવપ્રેમીઓ સામે આવશે. શિવપ્રેમીઓ માટે આ ગર્વની વાત છે.

ઈતિહાસ શું છે
10 નવેમ્બર, 1659ના રોજ છત્રપતિ શિવાજી મહારાજે કિલ્લો પ્રતાપગઢના પગથિયે આદિલશાના સરદાર અફઝલ ખાનનો વધ કર્યો હતો. તેની સાથે તેના વકીલ કૃષ્ણાજી ભાસ્કર કુલકર્ણીનું માથું પણ વાઢી નાખ્યું હતું. આ જીતનું પ્રતીક તરીકે ખુદ છત્રપતિ શિવાજી મહારાજે અફઝલ ખાનની કબર અહીં બાંધી હતી, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષમાં આ કબર આસપાસ બાંધકામો વધ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...