માગણી:મેટ્રો સ્ટેશનનું નામ બદલીને લોખંડવાલા રાખવાની માગણી

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક સંગઠને લોઅર ઓશિવરા નામ મુદ્દે MMRDAને પત્ર લખ્યો

મુંબઈગરાઓની સેવામાં નવો શરૂ થયેલ મેટ્રો-2એ રૂટનો આગળનો તબક્કો ડિસેમ્બર સુધી શરૂ થશે. મુંબઈ મહાનગર પ્રદેશ વિકા પ્રાધિકરણ તરફથી ઊભા કરવામાં આવેલા આ મેટ્રો રૂટના આગળના તબક્કામાં શરૂ થનાર અંધેરી પશ્ચિમમાં આદર્શનગર ખાતેના મેટ્રો સ્ટેશનને લોઅર ઓશિવરા નામ આપવામાં આવ્યું છે.

આ નામ બદલીને સ્ટેશનને લોખંડવાલા નામ આપવાની માગણી સ્થાનિકોએ કરી છે. આ બાબતનો પત્ર સ્થાનિકોએ એમએમઆરડીએના આયુક્તને લખ્યો છે. અંધેરી પશ્ચિમમાં મેટ્રો-2એ રૂટ પર ડી.એન.નગર અને ઓશિવરા મેટ્રો સ્ટેશન વચ્ચે લોઅર ઓશિવરા મેટ્રો સ્ટેશન બાંધવાનું કામ ચાલુ છે. જો કે અંધેરી પશ્ચિમમાં લોઅર ઓશિવરા નામનો કોઈ ભાગ નથી એમ સ્થાનિકોનું જણાવવું છે.

આ રૂટ પર આગળના સ્ટેશનનું નામ ઓશિવરા છે. તેથી લોખંડવાલા નજીકના આદર્શનગર ભાગના મેટ્રો સ્ટેશનને લોઅર ઓશિવરા નામ આપવામાં આવશે તો સામાન્ય લોકોમાં દ્વિધા ઊભી થાય એવી શક્યતા છે એવો મત લોખંડવાલા ઓશિવરા સિટીઝન એસોસિએશનના સહસંસ્થાપક કરણ જોટવાનીએ વ્યક્ત કર્યો છે. લોઅર ઓશિવરા નામનો કોઈ પરિસર અત્યારે અસ્તિત્વમાં નથી.

જે ભાગમાં આ સ્ટેશન ઊભું કરવામાં આવી રહ્યું છે ત્યાંથી લોખંડવાલા સર્કલ 300 થી 400 મીટરના અંતરે છે. તેથી આ મેટ્રો સ્ટેશનનું નામ લોઅર ઓશિવરા બદલીને લોખંડવાલા કરવામાં આવે. આ બાબતનો પત્ર એમએમઆરડીએ આયુક્ત એસ.વી.આર. શ્રીનિવાસને મોકલ્યો છે એવી માહિતી લોખંડવાલા ઓશિવરા સિટીઝન એસોસિએશનના સંસ્થાપક ધવલ શાહે આપી હતી.

અન્ય સમાચારો પણ છે...