સ્વાતંત્ર્યવીર વી ડી સાવરકરની ટીકા કરવા માટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે થાણે શહેર પોલીસે બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે. થાણે નગર પોલીસ સ્ટેશનમાં ગુરુવારે તેમની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. દરમિયાન મહાત્મા ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી પણ શુક્રવારે ભારત જોડો યાત્રામાં જોડાયા હતા અને ગાંધીના સાવરકર વિશેના વક્તવ્યને સમર્થન આપ્યું હતું. મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદેના શિવસેનાના ઘટકનાં નેતા વંદના ડોંગરે દ્વારા દાખલ ફરિયાદને આધારે પોલીસે કેસ દાખલ કર્યો છે.
ફરિયાદીએ આરોપ કર્યો છે કે ગાંધીએ સાવરકરની ટીકા કરીને નાગરિકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે, એમ પોલીસે શુક્રવારે જણાવ્યું હતું.ગાંધી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 500 (બદનક્ષી) અને 501 (બદનક્ષીભરી બાબતોનું મુદ્રણ) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીની ભારત જોડોયાત્રા હાલમાં મહારાષ્ટ્રમાં છે. ગુરુવારે અકોલા જિલ્લાના વાડેગાવમાં તેમણે પત્રકાર પરિષદ યોજીને એવો દાવો કર્યો હતો કે સાવરકરે બ્રિટિશરોને મદદ કરી હતી અને ડરના માર્યા દયાની અરજી કરી હતી, જેને લઈ તેમણે મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, જવાહરલાલ નેહરુ અને સ્વાતંત્ર્યની ચળવળના અન્ય નેતાઓ સાથે દગો કર્યો હતો.
તેના બે દિવસ પૂર્વે રાહુલ ગાંધીએ વાશિમ જિલ્લામાં રેલીને સંબોધી હતી, જ્યાં તેમણે સાવરકરને ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રતિક ગણાવ્યા હતા. સાવરકરને આંદામાનની જેલમાં બે- ત્રણ વર્ષની જેલ થઈ હતી. આ પછી તેમણે દયા માટે અરજીઓ કરવાનું શરૂ કર્યું હતું, એમ તેમણે જણાવ્યું હતું.ભાજપ અને શિંદેની આગેવાની હેઠળની બાળાસાહેબાંચી શિવસેનાએ આ ટીકા સામે ગાંધીનો વિરોધ કર્યો હતો. આ પક્ષોના કાર્યકરો રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાએ પણ ગાંધીના વક્તવ્ય સામે વિરોધ કર્યો છે.
ભિવંડીમાં પણ બદનક્ષીનો કેસ
હિંદુત્વ વિચારધારા ધરાવતા સાવરકરના પૌત્ર રણજિત સાવરકરે ગુરુવારે મુંબઈમાં શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમણે મારા દાદાનું અપમાન કર્યું છે એવો આરોપ કર્યો છે. નોંધનીય છે કે રાહુલ ગાંધી સામે 2014માં થાણે જિલ્લામાં વધુ એક બદનક્ષીનો કેસ છે. ભિવંડીની રેલીમાં ગાંધીએ આરોપ કર્યો હતો કે મહાત્મા ગાંધીજીની હત્યા પાછળ સંઘ હતો, જે પછી સંઘના કાર્યકર્તાએ કેસ દાખલ કર્યો હતો. ગાંધીના વક્તવ્યથી સંઘની છબિ ખરડાઈ છે એવો દાવો કરાયો છે. 2018માં કોર્ટે આ કેસમાં ગાંધી સામે આરોપ ઘડ્યા છે, પરંતુ તેમણે કસૂર નથી એવી વિનંતી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.