શિંદે- ફડણવીસ સરકારે મહાપાલિકામાં ઠાકરે જૂથ પાસેની સત્તા છીનવી લેવા માટે મોટી રમત રમી છે. મહાપાલિકામાં સ્વીકૃત સભ્ય સંખ્યા વધારવાનો મંગળવારે કેબિનેટ બેઠકમાં સર્વાનુમતે આ માટે નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી મહાપાલિકીની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ બહુ મોટો નિર્ણય માનવામાં આવે છે. મહાપાલિકાની ચૂંટણી પાર પડ્યા પછી સ્વીકૃત સભ્ય તરીકે નિયુક્તિ કરવામાં આવે છે. આ સ્વીકૃત સભ્ય, એટલે કે, નોમિનેટેડ મહાપાલિકા સભ્યોની સંખ્યામાં સુધારો કરવાનો નિર્ણય સરકારે લીધો છે. નગરવિકાસ વિભાગનો પ્રસ્તાવ કેબિનેટ બેઠકમાં મંજૂર કરવામાં આવ્યો છે.
આગામી સમયમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ પાર પડવાની છે. રાજ્યમાં કુલ 24 મહાપાલિકાની ચૂંટણી યોજાવાની છે. આ ધ્યાનમાં લેતાં સ્વીકૃત સભ્યોની સંખ્યા વધારવાના નિર્ણયથી રાજકીય મહત્ત્વ નિર્માણ થયું છે. આ સંખ્યા હાલ પાંચ સભ્યની છે, જે દસ સુધી જઈ શકે છે.મહારાષ્ટ્રનું નગરવિકાસ ખાતું હાલમાં મુખ્ય મંત્રી એકનાથ શિંદે પાસે છે. રાજ્યમાં મુંબઈ, થાણે, પુણે, કોલ્હાપુર, નાશિક, ઔરંગાબાદ સહિત 24 મહાપાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે.
આ ચૂંટણી વિવિધ કારણોને લીધે લંબાઈ હોવા છતાં રાજ્યમાં બદલાયેલાં સમીકરણો ધ્યાનમાં લેતાં વધુમાં વધુ કાર્યકર્તાઓને તક આપવાની દ્રષ્ટિથી મહાપાલિકામાં નોમિનેટેડ મહાપાલિકા સભ્યોની સંખ્યા વધારવાનો આ નિર્ણય મહત્ત્વનો માનવામાં આવે છે. મહાપાલિકાની ચૂંટણીમાં જે ઉમેદવાર હારી જશે અથવા જે ઈચ્છુકોને ઉમેદવારી નહીં મળે તેમને સ્વીકૃત સભ્ય તરીકે તક અપાય છે. સ્વીકૃત સભ્યની સંખ્યામાં વધારો થવાથી રાજકીય પક્ષો સામેની મુશ્કેલી દૂર થશે.
આગામી સમયમાં મુંબઈ સાથે થાણે, નવી મુંબઈ, પનવેલ, કલ્યાણ- ડોંબિવલી, ઉલ્હાસનગર, ભિવંડી- નિઝામપુર, વસઈ-વિરાર, મીરા- ભાયંદર, પુણે, પિંપરી- ચિંચવડ, સોલાપુર, કોલ્હાપુર, નાશિક, અકોલા, અમરાવતી, નાગપુર, ઔરંગાબાદ, નાંદેડ- વાઘાળા, લાતુર, પરભણી, ચંદ્રપુર, માલેગાવ મહાપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે. ઈચલકરંજી મહાપાલિકા નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોઈ તેની પ્રથમ જ ચૂંટણી પાર પડવાની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.