નિર્ણય:કોવિડના દર્દીઓ ઘટતાં જમ્બો સેન્ટરો બંધ કરી દેવાનો નિર્ણય

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેવન હિલ્સ સહિત વિવિધ હોસ્પિટલોમાં ‘કોવિડ’ સારવાર ચાલુ રહેશે

મુંબઇમાં કોવિડ-19 રોગચાળા દરમિયાન, મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કોવિડ અસરગ્રસ્ત દર્દીઓને અસરકારક સારવાર આપવા માટે 8 અલગ અલગ સ્થળોએ કોવિડ જમ્બો કેન્દ્રો શરૂ કર્યાં હતાં. આમાં 12,375 પથારી અને 907 આઇસીયુ પથારીઓ હતી. આ સારવાર કેન્દ્રો દ્વારા લાખો દર્દીઓની અસરકારક સારવાર કરવામાં આવી હતી. આનાથી ઘણા દર્દીઓના જીવ બચાવવાનું શક્ય બન્યું. તે પછી, મહાપાલિકા વિસ્તારમાં નાગરિકોને અસરકારક રીતે રસી આપવામાં આવી હતી.

પરિણામે છેલ્લા કેટલાક મહિનામાં કોવિડથી સંક્રમિત દર્દીઓ સહિત લક્ષણોવાળા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઉપરાંત હોસ્પિટલોમાં કોવિડ દર્દીઓના દાખલ થવાનો દર ઘણો ઓછો છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, મહાપાલિકાએ કોવિડ જમ્બો કેર સેન્ટરને તબક્કાવાર બંધ કરવાનો નિર્ણય કર્યો.

આ મુજબ, પ્રથમ તબક્કામાં, 3 કોવિડ જમ્બો કેર સેન્ટર બંધ કરવામાં આવ્યા હતા. હવે બીજા તબક્કામાં વધુ 5 કેન્દ્રો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે કોવિડ સમસ્યાના કિસ્સામાં, સંબંધિત દર્દીઓને સમયસર યોગ્ય સારવાર મળે આ હેતુ માટે, સેવન હિલ્સ હોસ્પિટલ સહિત મહાપાલિકાની વિવિધ હોસ્પિટલોમાં કોવિડ સારવારની સુવિધા કાર્યરત કરવામાં આવશે, એમ એડિશનલ મ્યુનિસિપલ કમિશનર (પશ્ચિમ ઉપનગરો) ડૉ. સંજીવ કુમારે જણાવ્યું હતું.

કોવિડ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો થવાને કારણે 8 જમ્બો કોવિડ કેર કેન્દ્રો બંધ કરવામાં આવી રહ્યાં છે. જોકે નવા શોધાયેલા કોવિડ દર્દીઓને યોગ્ય સારવાર આપવાના હેતુસર, સેવન હિલ્સ હોસ્પિટલ, 16 ઉપનગરીય હોસ્પિટલો અને કસ્તુરબા હોસ્પિટલ સહિત મહાપાલિકાની 4 મોટી હોસ્પિટલોમાં કોવિડ દર્દીઓની યોગ્ય સારવાર માટે સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં પણ સારવારની સુવિધા ઉપલબ્ધ છે. આ મુજબ, મુંબઇ મહાપાલિકા વિસ્તારમાં ત્રણેય પ્રકારની હોસ્પિટલોમાં કુલ 11 હજાર 165 બેડની ઉપલબ્ધતા છે અને આ સંખ્યા જરૂરિયાત મુજબ વધારી શકાય છે. તેમજ સોમૈયા જમ્બો સેન્ટર, શિવ (સાયણ) ખાતે જમ્બો કોવિડ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે.

આ સેન્ટરો ચાલુ રહેશે
ડો. સંજીવ કુમારે જણાવ્યું હતું કે કોવિડ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડાને કારણે પ્રથમ તબક્કામાં દહિસર, નેસ્કો - ગોરેગાંવ અને કાંજુરમાર્ગ ખાતેના જમ્બો કોવિડ કેર સેન્ટર્સ પહેલાથી જ બંધ કરી દેવામાં આવ્યા છે. હવે બીજા તબક્કામાં બાંદરા - કુર્લા કોમ્પ્લેક્સ, રિચાર્ડસન અને ક્રુડાસ ભાયખલા, રિચર્ડસન્સ અને ક્રુડાસ મુલુંડ, એન.એસ.સી.આઇ વર્લી અને મલાડમાં જમ્બો કોવિડ કેર સેન્ટર્સ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, આ સ્થળોએ કાર્યરત રસીકરણ કેન્દ્રો ચાલુ રહેશે. જેના કારણે નાગરિકોને રસીકરણને લઈને કોઈ અગવડતાનો સામનો કરવો પડશે નહીં.

અન્ય સમાચારો પણ છે...