ભાગેડુ ગેન્ગસ્ટર દાઉદ ઈબ્રાહિમના ટેરર ફન્ડિંગ કેસમાં સંડોવાયેલા ગુંડાની મહારાષ્ટ્ર એન્ટી ટેરરીઝમ સ્કવોડ (એટીએસ) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી પરવેઝ ઝુબેર વાલીદ મેમણ (47)ની બુધવારે એટીએસની કાલાચોકી યુનિટે તેના વર્સોવાના ઘરમાંથી ધરપકડ કરી હતી. આ એફઆઈઆરમાં દાઉદના નાના ભાઈ અને વધુ એક ભાગેડુ ગેન્ગસ્ટર અનીસનું પણ નામ છે, એમ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું.પરવેઝ અનીસ સાથે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હતો. અનીસ અને અન્યો સામે મંગળવારે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.
ભારતીય દંડ સંહિતાની કલમ 121 (એ) (ભારત સરકાર સામે જંગ છેડવો) અને ભારતમાં ગેરકાયદે પ્રવડત્તિઓમાં સંડોવાયેલી પ્રતિબંધિત સંસ્થાઓને નાણાકીય ટેકો પૂરો પાડવા માટે અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટની કલમ 17, 18 હેઠળ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આ કેસની તપાસ દરમિયાન પરવેઝની સંડોવણી બહાર આવી હતી. તેણે પૂછપરછમાં કબૂલ કર્યું છે કે તે એમડીએમએ, કેટામાઈન અને પર્વતી ટિયર્સ (એલએસડી) જેવા ડ્રગ્સની દાણચોરીમાં પણ સંડોવાયેલો છે.
ડ્રગની તસ્કરી અને અન્ય અનધિકૃત ધંધામાંથી કમાણી કરેલાં નાણાં આતંકવાદી પ્રવૃત્તિઓ માટે પ્રતિબંધિત સંસ્થાઓમાં ફેરવવામાં આવ્યાં હતાં. પરવેઝ ખંડણી અને અન્ય ગંભીર ગુનાઓમાં પણ વોન્ટેડ હતો. તે ભારતીય કાયદાનો અમલ કરતી સંસ્થાઓથી ભાગવા માટે થોડો સમય દુબઈમાં પણ રહ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.