પ્રવાસીઓને મુશ્કેલી:CSMTમાં લોકલ બફર સાથે અથડાતાં ડબ્બો ખડી પડ્યો

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાર્બર લાઈનની ટ્રેનોનું સમયપત્રક ખોરવાઈ ગયું, પ્રવાસીઓને મુશ્કેલી

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) સ્ટેશનમાં મંગળવારે સવારે હાર્બર લાઈનના પ્લેટફોર્મ નં. 1 પર વિચિત્ર અકસ્માત થયો હતો. સીએસએમટી- પનવેલ લોકલ ટ્રેનને ગ્રીન સિગ્નલ મળ્યા પછી સ્ટેશનમાંથી નીકળવાને બદલે ટ્રેન પાછળની તરફ ગઈ હતી, જેને લીધે પ્લેટફોર્મના ડેડ એન્ડ પર બફર સાથે અથડાઈ હતી. આ આંચકાને લીધે ટ્રેનનો એક ડબ્બો પાટા પરથી ખડી પડ્યો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે પ્લેટફોર્મની અમુક લાદીઓ પણ તૂટી ગઈ હતી.

સદનસીબે કોઈને ઈજા પહોંચી નહોતી, પરંતુ કામધંધાના સમયે આ દુર્ઘટના બનતાં પ્રવાસીઓ બેહાલ થઈ ગયા હતા. રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ મોટી યંત્રસામગ્રીઓ લાવ્યા હતા અને યુદ્ધને ધોરણે કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મ પરથી દેખીતી રીતે જ ટ્રેનવ્યવહાર બંધ કરાયો હતો, જેને કારણે ટ્રેનો અન્ય પ્લેટફોર્મ પર વાળવામાં આવી હતી. આને કારણે ટ્રેનોનું સમયપત્રક ખોરવાઈ ગયું હતું.

ગિરદીની સમયે જ આ દુર્ઘટના બનતાં પ્રવાસીઓ હેરાનપરેશાન થઈ ગયા હતા. તિલકનગરથી કુર્લા દરમિયાન ટ્રેનો રખડી પડવાથી પ્રવાસીઓ પાટા પર ઊતરીને ચાલતા દેખાયા હતા. અમુક પ્રવાસીઓએ ઓફિસે પહોંચવા માટે બેસ્ટની બસો તરફ મોરચો વાળ્યો હતો.

ખાસ કરીને સીએસએમટીની બહાર મોટી સંખ્યામાં પ્રવાસીઓ જોવા મળ્યા હતા. હાર્બર લાઈન વડાલા સુધી જ ચાલુ રાખવામાં આવી હતી. આથી વડાલા રેલવે સ્ટેશનની બહાર બેસ્ટ બસ સ્ટોપ પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...