હાલમાં જ શિવસેનાના થાણે જિલ્લા પ્રમુખપદે નિમણૂક કરવામાં આવેલા કેદાર દિઘે વિરુદ્ધ મુંબઈની દુષ્કર્મ પીડિતાને ધમકાવવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દિઘેના મિત્ર રોહિત કપૂર વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં પીડિતાને ધમકાવવાનો આરોપ કરાયો છે.
મુંબઈના એન એમ જોશી માર્ગ પોલીસ સ્ટેશનમાં એક 23 વર્ષીય મહિલાએ ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદી મહિલા ખાનગી કંપનીમાં ક્લબ એમ્બેસિટર તરીકે કામ કરે છે. મુંબઈ આવતા મહેમાનોને ક્લબની મેમ્બરશિપ બાબતે માહિતી આપવાનું કામ કરે છે. કેદાર દિઘેના મિત્રએ 28 જુલાઈના મુંબઈની એક હોટેલમાં મેમ્બરશિપ લેવાના બહાને ભોજન માટે બોલાવી હતી. એ પછી ક્લબ મેમ્બરશિપના રૂપિયા આપવા માટે રૂમમાં રોકાવા જણાવ્યું. એ પછી રોહિત કપૂરે દુષ્કર્મ કર્યું એવી ફરિયાદ પીડિતાએ કરી હતી.
આ ઘટનાથી ગભરાયેલી મહિલા મોઢું બંધ રાખ્યું હતું, પરંતુ 31 જુલાઈના પીડિતાએ પોતાની આપવીતી પોતાના ત્રણ મિત્રોને જણાવી. પીડિતાએ રોહિત કપૂરને વોટ્સએપ પર આ બાબતે જવાબ પૂછ્યો હતો. એ પછી કપૂરે પીડિતાને બ્લોક કરી હતી. 1 ઓગસ્ટના પીડિતાએ પોતાના મિત્રો મારફત આરોપીને સવાલ કર્યા હતા. જોકે રોહિત કપૂરે કોઈ પ્રતિસાદ આપ્યો નહોતો.
એ પછી આરોપીએ કેદાર દિઘેને વચ્ચે રાખીને પીડિતાને રૂપિયા આપવાની ઓફર કરીને આ ઘટના બાબતે કોઈને પણ ન જણાવવા કહ્યું. જોકે પીડિતાએ ઈનકાર કર્યો હતો. આ પછી દિઘેએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હવે ફરિયાદી મહિલાના જવાબ પરથી રોહિત કપૂર અને કેદાર દિઘે વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.